Mysamachar.in-સુરત
કોરોના વાયરસને કારણે લાંબો સમય સુધી બંધ રહેલા વેપાર ધંધાએ કેટલાય લોકોને બેરોજગાર કરી નાખ્યા છે, તો કેટલાય વેપાર ધંધાઓ ચાલવા ખાતર ચાલી રહ્યા હોય વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એવામાં સુરતમાં એક વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગર માટે દારૂની ખેંપ મારવાનું શરૂ કર્યાની ઘટના સામે આવી છે, મજબુરીવશ ખેંપિયો બનેલો આ વેપારી આખરે પોલીસના હાથે ઝડપાયો પરંતુ તેણે દાવો કર્યો કે તેનો વેપાર ઠપ થતા તેને આ કામ કરવાની ફરજ પડી હતી.
સુરત પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ પાસેથી મોપેડ ઉપર જતા યુવાન વેપારીને વ્હીસ્કીની 96 બોટલ સાથે ઝડપી પાડી તેના ઘરે તપાસ કરતા ત્યાંથી વ્હીસ્કીની વધુ 243 બોટલ મળી આવી હતી. પોલીસે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું કે યુવાન વેપારી અગાઉ ઘરેથી જ લેડીઝ કુર્તીનો વેપાર કરતો હતો, પરંતુ લોકડાઉન બાદ કુર્તીનો વેપાર બંધ થતા તેણે ડિંડોલીના બુટલેગર અનિલ છપરી માટે મોપેડ ઉપર દારૂ લાવવાનું શરૂ કર્યું હતું.
સુનિલને અટકાવી તેની પાસેની બેગની જડતી લેતા તેમાંથી રૂ.9600 ની કિંમતની વ્હીસ્કીની 96 બોટલ મળી આવી હતી અગાઉ ઘરમાં જ લેડીઝ કુર્તીનો વેપાર કરતા અને લોકડાઉનમાં ધંધો બંધ થઈ જતા હવે દારૂની હેરાફેરી કરતા સુનિલની પુછપરછના આધારે પીસીબીએ તેના ફ્લેટ ઉપર તપાસ કરતા ત્યાંથી રૂ.27,700 ની કિંમતની વ્હીસ્કીની અલગ અલગ 243 બોટલ મળી આવી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પણ આ કિસ્સા પરથી માણસની મજબુરી ગમે તે કરાવે તે બાબત વધુ એક વખત સ્પષ્ટ થઇ છે.