Mysamachar.in-સુરત
તાજેતરમાં જ ભાવનગરના પાલીતાણામાં એક યુવક તેની પત્નીની હત્યા કર્યા બાદ લાશને એકટીવામાં આગળ બાંધીને જઈ રહ્યાની ઘટના સામે આવી હતી, ત્યાં જ સુરતમાં એક કંપારી છોડાવી દે તેવી ઘટના છેક પાંચ વર્ષે ઉજાગર થવા પામી છે, વાત કઈક એવી છે કે પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દીવાલમાં ચણી દીધી હતી.
બાદમાં આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. પછી પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયો નહોતો. બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો, જેથી પોલીસે દીવાલમાં ચણી દેવાયેલી લાશના હાડપિંજરને એક્ઝિક્યુટિવ મામલતદાર,એફએસએલની હાજરીમાં વિડિયોગ્રાફી કરી બહાર કાઢ્યું હતું. અને આ રીતે પાંચ વર્ષે હત્યા કરીને લાશ ને દીવાલમાં ચણી દેવામાં આવી હતી તેનું માત્ર હાડપિંજર બહાર નીકળતા ભારે કંપારી છોડવનાર દ્રશ્યો જોવા મળ્યા હતા, કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં જ તેનો પરિવાર પણ આશાપુરી સોસાયટીમાં દોડી આવ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રાજુ પર દારૂના 30થી વધુ કેસ છે. રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસે ઝડપી લીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મૃતદેહ ઘરના રસોડામાં ખાડો ખોદીને દીવાલમાં પ્લાસ્ટર ખોદીને છ શ્રમિકોએ બે-ત્રણ ફૂટ લગભગ બે કલાક ખોદકામ કર્યું ત્યારે હાડપિંજર બહાર આવ્યું હતું. તેના શરીર પરથી માથું અલગ થઈ ગયેલું હતું. દાદરની નીચે ખાલી જગ્યા પડી હતી એમાં શિવમ ઉર્ફે કિશનની લાશને ચણી દેવામાં આવી હતી. બાદમાં તેના પર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવ્યું હતું, જેથી પાંચ વર્ષ સુધી લાશ ત્યાં પડી રહેતાં હાડપિંજર થઈ ગયું હતું.
આ કેસમાં ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે આરોપી રાજુ બિહારીએ તેના મિત્રની 5 વર્ષ પહેલા હત્યા કરી લાશને તેના જ ઘરમાં દાટી દીધી છે. જેથી પોલીસે કુનેહ પૂર્વક આરોપીની ઉલટ તપાસ શરુ કરી અને બાદમાં ડીસીબી-પાંડેસરા પોલીસનો સ્ટાફ, એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ અને એફએસએલને સાથે રાખી ઘરની અંદરથી દાદરની નીચે દિવાલ અને સિમેન્ટનું પ્લાસ્ટર તોડતા લાશના અવશેષો મળી આવ્યા હતા. અવશેષો લઈ તેને પીએમ માટે નવી સિવિલમાં મોકલી આપ્યા હતા.
પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા રાજીવ ઉર્ફે રાજુ બિહારી સુરજનસીંગ રાજપૂત (37) (મૂળ રહે,બિહાર)ની સામે કાર્યવાહી કરી છે. જયારે તેના સાગરિતોમાં વિપુલ ઉર્ફે વિપુલ ભૈયા સોમા પાટીલ, અજય ઉર્ફે અંચલ રાજુ પ્રધાન, શૈલેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ લંગડો નીખીલેશ શર્મા, મીટુ મામા અને ભગવાન માલીયાને શોધવાની તજવીજ શરૂ કરી છે.
ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે આવા કિસ્સાઓમાં જયારે મૃતદેહ કોહવાયેલો, હાડપિંજર જેવી હાલતમાં મળે ત્યારે કોઈપણ ગુનાનો સૌથી પહેલો ભાગ કોર્પસ ડેલીક્ટી એટલે કે મૃતદેહની ઓળખાણ કરવી જરૂરી છે. મૃતદેહના મળેલા અવશેષો પરથી મરનારની ઉંમર, જાતિ, બાંધો વગેરે નક્કી કરવા ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ થાય છે. ઉપરાંત મૃતદેહના અવશેષો પરથી મોતનું કારણ,મૃત્યુનો સમય અને મરનારને ઈજા વગેરે બાબતોનો અભ્યાસ પણ ગુનાની તપાસનો એક ભાગ છે.રહસ્યોના તણાવાણાના આ કેસમાં પોલીસ હવે ઊંડી તપાસ કરીને કેસના તથ્યો સુધી પહોચવાના પ્રયાસ કરી રહી છે.