Mysamachar.in-સુરત
થોડા દિવસો પૂર્વે જ અમદાવાદ પોલીસે ચીપકલી ગેંગના શખ્સોને ઝડપી પાડી અનોખી રીતે ગેંગ દ્વારા થતી ચોરીનો પર્દાફાશ કર્યા બાદ સુરત પોલીસે એક બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જે યુ ટ્યુબ ઉપર બુલેટનું લોક તોડી ડાયરેકટ ચાલુ કરવાનો વિડીયો જોયા બાદ પંદર દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાંથી બુલેટ ચોરી કરનાર બે વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી લિંબાયતમાં નોîધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે બાતમીના આધારે લિંબાયતના આંજણા નહેર રોડ આંબેડકર નગર પાસેથી જાવીદ રફીક સૈયદ અને સમીર જમીર શેખને ઝડપી પાડી રોયલ ઍનફિલ્ડ બુલેટ Classic 350 CC વાહન કબજે કરી હતી.
યુવાનોની પ્રાથમિક પુછપરછમાં આ ગાડી ચોરીની હોવા સાથે બંનેએ જણાવ્યું યુ-ટ્યૂબ ઉપર બુલેટનું લોક તોડી ડાયરેકટ ચાલુ કરવાનો વીડિયો જોયો હતો અને ત્યારબાદ પંદરેક દિવસ પહેલા રાત્રીના સમયે લિંબાયત નારાયણનગર પાસે રોડ ઉપરથી સ્ટેરીંગ લોક તોડી ડાયરેકટ કરી બુલેટ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જો કે આ પહેલી ઘટના નથી પરંતુ આવો જ એક કિસ્સો અગાઉ પણ સામે આવી ચુક્યો છે, જેમાં ઠગ લોકો યુટ્યુબ પરથી કે અન્ય કોઈ વેબસાઈટના માધ્યમથી ચોરી કરતા શીખે છે. પરંતુ હાલતો આ બન્ને શખ્સો પોલીસને હાથ લગતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.