Mysamachar.in-સુરત
સુરત પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી એક યુવાનને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા યુવકની પુછપરછ દરમિયાન તેને મોટો હાથ માર્યા બાદ હરખઘેલો થઈ 90 હજારની નવી બાઈક અને 20 હજારનો મોબાઈલ ફોન લઈને શેખી મારવાનું શરુ કર્યું હતું ખરેખર પોતે કચરો વીણવાનું કામ કરે છે, એક સમયે બેકાર જેવી સ્થતિનો સામનો કરી રહેલા આ યુવાનની જાહોજલાલી પાછળ તેણે બે મહિના પહેલા સાગરીત સાથે મળી સાડા આઠ લાખની ચોરી જવાબદાર હોવાનું બહાર આવતાં પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પ્રેમનગરમાં રહેતા 19 વર્ષીય સુનિલ ગલસિંહ બારિયાની ધરપકડ કરી રોકડા 50 હજાર અને 20 હજારના મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, એક સમયે આ શખ્સ કચરો વીણતો હતો.
એટલું જ નહીં, લોકડાઉનને કારણે ઘણા સમયથી બેકાર પણ હતો. સપ્ટેમ્બર મહિના બાદ તેની સ્થિતિ બદલાઈ ગઈ હતી. નવી બાઈક અને મોબાઈલ ફોન લેવાની સાથે આડેધડ રૂપિયા ખર્ચ કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં 30મી ઓગસ્ટે મિત્ર સાથે ભંગાર ચોરી કરવાના ઈરાદે નીકળ્યો હતો. ઉધના-મગદલ્લા રોડ ઉપર શ્રીરામ ઈન્ડરસ્ટ્રીઝમાં આવેલા એક કારખાનામાં બારીની ગ્રીલ તોડી ઘૂસ્યા હતા, ભંગારને બદલે સાડા આઠ લાખની રોકડ હાથ લાગી હતી. તેમાંથી તેના હિસ્સે અઢી લાખ રૂપિયા આવ્યા હતા. પોલીસે બીજા શખ્સોને શોધવા કવાયત તેજ કરી છે.