Mysamachar.in-સૂરત
અંક્લેશ્વરના અંસાર માર્કેટમાં 2.83 લાખની ડુપ્લિકેટ ચલણી નોટોથી ભંગાર ખરીદવાની ફિરાકમાં આવેલાં સૂરતના કામરેજ ખાતે રહેતાં અને મુળ ભાવનગરના ગઠિયાને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે, પોલીસે તેની પાસેથી 50 રૂપિયાની નોટોને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કાઢી સાચી નોટોમાં ખપાવી દેવા લાવેલી 5644 ડુપ્લિકેટ નોટ જપ્ત કરી હતી. ભરૂચ એેસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સૂરતના કામરેજ ખાતે રહેતો એક શખ્સ ડુપ્લિકેટ નોટો સાથે અંસાર માર્કેટમાં ભંગાર ખરીદી કરવા માટે આવનાર છે. જેથી ટીમે પાનોલી તેમજ નેશનલ હાઇવે પર અલગ અલગ ટીમો સ્ટેન્ડ બાય કરી વોચ ગોઠવી હતી.
દરમિયાનમાં ચોક્કસ વિગત મુજબની એક બાઇકને પરિવાર હોટલ પાસે અટકાવી તેના ચાલકની પુછપરછ કરતાં તેનું નામ જિજ્ઞેશ નટુ રાણીંગા હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેની તલાશી લેતાં તેના પાસેની થેલીમાંથી 50 રૂપિયાના દરની 5644 નોટો મળી કુલ 2,83,200 રૂપિયા મળી આવ્યાં હતાં. ટીમે તપાસ કરતાં તેની પાસેની ચલણી નોટો પ્રાથમિક દ્રષ્ટીએ જ બનાવટી હોવાનું જણાતાં ટીમે તેની ધરપકડ કરી પુછપરછ શરૂ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેણે પોતાના ઘરે જ રૂપિયા 50ની નોટોને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લિકેટ ચલણી નોટો થકી અંસાર માર્કેટમાંથી ભંગાર ખરીદી કરવાનો હતો.
જિજ્ઞેશને પાસેથી મળેલી નોટો તપાસતાં નોટો પર બ્રેઇલ માર્કિંગ ન હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું હતું. ઉપરાંત નોટોની મધ્યમાં આવતી સફેદ રંગની પટ્ટી પણ વાસ્તવિક ન હોવાનું લાગ્યું હતું. પોલીસે પોતાના પાસેની અસલી નોટો સાથે પણ તેની ખરાઇ કરી તો તેની પાસેની નોટો ડુપ્લિકેટ હોવાનું ખુલાસો થયો હતો.પોલીસ આ મામલે વધુ છાનબીન કરી રહી છે.