Mysamachar.in-સુરત
ઓનલાઈન ગઠિયાઓ મીઠી મીઠી વાતોમાં ભોળવી અને પેટીએમ કેવાયસી કરવાના નામે લોકોને શીશામાં ઉતારી અને ઓટીપી વગેરે મેળવી અને લોકોના બેંક ખાતાઓ સાફ કરી નાખવાના કિસ્સાઓ હજુ ઓછા થયા નથી, અને આ સિલસિલો યથાવત હોવાનું વધુ એક વખત સુરતમાં સામે આવ્યું છે, ઘોડાસરમાં સ્મૃતિ દર્શન સોસાયટીમાં રહેતા મનોજકુમાર પટેલને ફોન પર રાહુલ નામની વ્યક્તિએ ફોન કરીને પોતાની ઓળખ પેટીએમ એક્ઝિક્યુટિવ તરીકેની આપી હતી. આ શખ્સે મનોજભાઈને તેમનું પેટીએમ કેવાયસી કરવામાં નહિ આવે તો એકાઉન્ટ બંધ થઈ જશે તેમ કહ્યું હતું. આ શખ્સે તેમને વિશ્વાસમાં લઈ ઓનલાઈન કેવાયસી કરી આપવાની વાત કરી હતી.
મનોજભાઈએ તેની વાત પર ભરોસો કર્યો હતો. આ દરમિયાન મનોજભાઈને મોબાઈલ ફોનમાં એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. જોકે ત્યાર બાદ અજાણ્યા શખ્સે એપ્લિકેશન મારફતે બેંક એકાઉન્ટમાંથી 1.76 લાખ ઉપાડી લીધા હતા. બાદમાં મનોજભાઈને પોતે છેતરપિંડી નો ભોગ બન્યાનું જણાઈ આવતા તેને સાયબર સેલની આ મામલે મદદ લીધી છે.