Mysamachar.in-સુરત
રાજ્યમાં તાજેતરમાં જ બે જુદા જુદા જીલ્લાઓમાંથી નામાંકિત યુનીવર્સીટીઓની ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ વધુ એક વખત સુરત શહેરમાંથી ધો.10ની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરી અને માર્કશીટ લેવાના બહાને તેને બોલાવ્યો હતો. અને અને એક યુવકને ઝડપી પાડ્યો છે, આ યુવક નકલી માર્કશીટ, લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઈલેકશન કાર્ડ, પાનકાર્ડ અને સંસ્થાના નોંધણી પ્રમાણપત્ર ડુપ્લીકેટ બનાવી આપતો હતો અને આ માટે તે લોકો પસેથી ખાસ્સી મોટી એવી રકમ પડાવતો હતો.
સુરત શહેરમાંથી નકલી ધો.10ની માર્કશીટ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે ધો-10ની માર્કશીટ લેવા માટે ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. અને આરોપી કમલેશ રાણાએ ધો-10ની માર્કશીટ લેવા માટે શનિવારે બપોરે ગ્રાહકને એસએમસી ટેનામેન્ટ માન દરવાજા ચામુંડા ઝેરોક્ષ ખાતે બોલાવ્યો હતો. જ્યાં પોલીસે પહોચી જઈ યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ યુવક છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ માર્કશીટ, લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઈલેકશન કાર્ડ, પાનકાર્ડ અને સંસ્થાના નોંધણી પ્રમાણપત્ર ડુપ્લીકેટ બનાવી આપતો હતો અને આ માટે મોટી રકમ લેતો હતો. યુવક આમ તો એલઆઈસી એજન્ટ છે.
પોલીસને તેની ધરપકડ પાસેથી એક બેગ મળી હતી જેમાં પોલીસે તપાસ કરતા સુરતની પ્રાયમરી શાળા ગોપીપુરા સંઘારીવાડનું શાળા છોડ્યાનું શાળાના સિક્કા અને સિમ્બોલ સાથેનું કોરૂ પ્રમાણપત્ર, સીમ્ગા ઈંગ્લીશ હાઇસ્કૂલનું શેટીગર પ્રકાશ મજુનાથનું સ્કૂલ લીવીંગ સર્ટી ઉપરાંત લેપટોપ અને 32 જીઈબીની પેનડ્રાઇવ મળી આવી હતી. લેપટોપમાંથી પાનકાર્ડ, આર.સી.બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ, માર્કશીટ, લાઇટબીલ, ટેક્ષબીલ, રેલવે ટિકિટ, સુરત મહાનગર પાલિકાનુ નોંધણીનુ પ્રમાણપત્ર તેમજ બીજા અસંખ્ય પ્રમાણપત્ર અસલ તેમજ ડુપ્લીકેટ મળી આવ્યા હતા.પોલીસને આ મોટી સફળતા તો મળી છે, સાથે જ આ રેકેટ કેટલા સમયથી ધમધમતું હતું અને તેમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે, તેની છાનબીન થઇ રહી છે.