Mysamachar.in-સુરત
રાજ્યમાં ગુન્હાઓની વધી રહેલી સંખ્યા વચ્ચે સુરતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે. પલસાણાના માખીંગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતી મળી કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઝારખંડથી ગુજરાત સુધી હ્યુમન ટ્રાફિકિંગનું નેટવર્ક ઝડપાયું હોવાના અહેવાલથી ચકચાર જાગી છે, સુરતના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આ ઓપરેશન પાર પડાયું છે. પલસાણાના માખીંગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવય 24 યુવતી મળી ઝારખંડની કુલ ૩૦ યુવતીઓને મુક્ત કરાવાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા 1 મહિનાથી કામ કરાવવામાં આવતું હતું. યુવતીઓને સિલાઈ કામ શીખવાડવાના બહાને ઝીંગાની ફેકટરીમાં લગાવી દીધી હતી. ઝારખંડથી યુવતીઓ લાવનાર મહિલા મંજુબેનની પણ અટકાયત કરાઈ છે. ઝારખંડના રાંચી જિલ્લામાં મહિલા વિરુદ્ધ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ તમામ યુવતીઓને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી છે.