Mysamachar.in-સુરત
શ્રાવણ માસ પૂર્ણ થઇ ગયો અને શ્રાવણમાસમાં મોટાભાગે જુગારીઓ જુગાર પર હાથ અજમાવતા હોય છે, પણ કેટલાક જુગારીઓ એવા હોય છે તેને દિવસો કે મહિનાઓ સાથે કાઈ લાગતું વળગતું નથી અને તે મન થાય ત્યારે દાવ પર હાથ અજમાવી દે છે, એવામાં સુરતમાં અનોખા કહી શકાય તેવા ઓનલાઈન જુગારનો પર્દાફાશ કરીને લાખોના મુદામાલ સાથે 13 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓનલાઇન જુગાર ક્લબ ઝડપી પાડ્યું છે. (Online gambling club) પાલ વિસ્તારમાં ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હતો. જેના માટે UKમાંથી સર્વર ભાડે લઈ ઓનલાઇન જુગાર રમાડતા હતા.
હાલ પોલીસે પાલ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં આવેલી ઓફિસમાંથી બે મહિલા સહિત 13 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલાઓ પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. સુરતના પાલ ગૌરવપથ રોડ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલી વિક્ટર આઈટી સોલ્યુશન નામની ઓફિસમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવે છે તેવી બાતમીના આધારે ટીમ બનાવી રેડ કરી હતી. જેમાં આરોપી જીગર, રાહુલ અને કાર્તિક ઓફિસ ખોલી ઓનલાઈન જુગાર રમાડતા હતા. ઓનલાઈન જુગાર રમાડવા માટે અમદાવાદના ભરતભાઈ પાસેથી UKમાં સર્વર ભાડે લીધું હતું.
ત્યારબાદ ફેક આઈડી બનાવી આ આઈડીથી જુદા જુદા આશરે 30 ડોમેઈનમાં જુદી જુદી વેબસાઈટ બનાવી હતી. આ સાથે અરમેનિયા દેશના નારીક નામના વ્યક્તિ પાસેથી ઓનલાઈન વેબસાઈટમાં જુગારની રમતનો લાઈવ વીડિયો મૂકી તે વેબસાઈટમાં જુગાર રમાડતા હતા આરોપીઓ દ્વારા વેબસાઈટમાં તીનપત્તી. રુલેટ, અંદર બહાર, ડ્રેગન ટાઈગર, બકારંટનો જુગાર રમાડતા હતા. આ સાથે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો પર પણ હાર જીતનો જુગાર રમાડવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ભાડેથી પુરૂ પાડતા હતા.પોલીસે સ્થળ પરથી 13 લેપટોપ, મોબાઈલ, ટીવી, રોકડા મળી કુલ 8.63 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.