Mysamachar.in-સુરત:
ના જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે આવી જ એક ઉક્તિ એક નાયબ મામલતદારને નડેલા અકસ્માતમાં દુખદ રીતે સાર્થક થઇ છે, સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સન્માનિત થવા જઈ રહેલા નાયબ મામલતદાર અને અને તેમના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. વાંકલ-ઝંખવાવ રોડ પર પાતલદેવી પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિનું અવસાન થતા ભારે ગમગીની પ્રસરી જવા પામી છે, માંડવીના નાયબ મામલતદાર અને જાન્યુઆરીથી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા સિમાબેન દેશમુખ અને તેમના પતિ સંદિપભાઈ વસાવા અંકલેશ્વરથી કાર લઈને સવારે નીકળ્યાં હતાં.
આ દરમિયાન વાંકલ-ઝંખવાવ રોડ પર માંગરોળના કંટવાવ નજીક ડમ્પર સાથે તેમનો એક્સિડન્ટ થયો હતો. કારમાં ભારે નુકસાન સર્જાયું હતું અને બન્ને પતિ-પત્નીના મોત નીપજ્યાં હતાં. નાયબ મામલતદાર સિમાબેન દેશમુખનું આજે કોરોના વોરિયર તરીકે સેવા બજાવી હોવાથી સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં તેમનું સન્માન થવાનું હતું. જેથી સિમાબેન તેમના પતિ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નીકળ્યાં હતાં. આ દરમિયાન એક્સિડન્ટમાં તેમના મોત નીપજ્યાં હતાં.