Mysamachar.in-સુરત
સુરત શહેરમાં અનલોક સમયમાં તસ્કરો બેફામ બન્યા છે. ચોરી ની એક એવી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. તસ્કરો ત્રીજા માળે થી ભારેખમ બે મશીનો ચોરી ગયા છે. આ મશીનની ચોરી માટે તસ્કરોએ ક્રેઇન ની મદદ લીધી હતી. જે બાદમાં બંને મશીન ટેમ્પામાં લોડ કરીને ભાગી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ બંને મશીન ત્રીજા માળે રાખવામાં આવ્યા હતા. તસ્કરોએ ત્રીજા માળે આવેલા ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દીવાલ તોડી બે મશીન ક્રેઇનની મદદથી નીચે ઉતારી ચોરી ગયા હતા.
મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા ધરમનગર રોડ શારદા વિહાર સોસાયટીમાં રહેતા જનકભાઈ વિઠ્ઠલભાઈ વેકરીયાએ એમ્બ્રોઇડરીના બે જૂના મશીન ખરીદી વરાછા અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભાજીવાલા એસ્ટેટ માં ત્રીજા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું. જોકે, કોરોનાને લીધે ગત 22 માર્ચના રોજ લૉકડાઉન જાહેર થતા તેઓ કારખાનું બંધ કરીને વતન ચાલ્યા ગયા હતા.ગઇકાલે સવારે 8 વાગ્યે તેમના કારખાનાની નીચેના કારખાના માલિકે ફોન કરી જાણકરી હતીકે કારખાનાની દીવાલ તૂટેલી છે અને અંદર મશીનો નથી.. જનકભાઇમાં સગા કારખાને પહોંચ્યા તો ગ્રીલનો દરવાજો બંધ હતો અને તાળાનો નકુચો કટરથી કાપી નાખવામાં આવ્યો હતો.
અંદર બંને મશીન ન હોય ચોરી થયાનું જાણવા મળતા જનકભાઇ ના સગા એવા શૈલેષભાઈએ આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસતા એક કારખાનાના સીસીટીવી કેમેરામાં જોતાં પાંચ વાગ્યે 7 થી 8 વ્યક્તિ બે ટેમ્પો રાખી ક્રેઈનની મદદથી બંને મશીન કારખાનામાંથી ઉતારી ટેમ્પોમાં મૂકી સાડા છ વાગ્યે ચોરી કરી લઈ જતા નજરે ચઢ્યા હતા. શૈલેષભાઈએ વરાછા પોલીસ બે એમ્બ્રોઇડરી મશીન ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. આવી ફરિયાદ બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભારે મશીન અને તે પણ બે નંગ જેને ક્રેઈનની મદદથી તસ્કરો ટેમ્પોમાં મૂકીને ચોરી કરી ગયાની કદાચ આવી પહેલી ઘટના સામે આવી છે. પોલીસે નજીકના સીસીટીવી મેળવી આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.