Mysamachar.in-સુરત:
રાજ્યમાં રોજ કેટલાય લોકો ઠગાઈનો ભોગ બનીને પોતાની મહેનતથી બચાવેલ રકમ ગુમાવી બેસે છે, અથવા તેમના બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડી જવાની અનેક ફરિયાદ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પાંડેસરાના મિલ કામદારે દીકરીના લગ્ન માટે બેંકમાં એકઠી કરેલી રકમ કોઈ ભેજાબાજ દ્વારા એટીએમ કાર્ડ ક્લોન કરી ઉપાડી લેતા બાપની હાલત કફોડી બની છે.
આ ઘટના છ માસ પૂર્વે બની હતી અને 90 દિવસમાં રકમ પાછી આવવાની બેંકે આપેલી હૈયાધરપત બાદ હવે બેંકના સ્ટાફે પણ હાથ ઊંચા કરી દીધા હતા આખરે આ મામલે ફરિયાદ બાદ છ મહિના પછી પોલીસે ગુનો દાખલ કરવામાં આવતા તપાસ શરૂ કરી છે. મૂળ બિહારના વતની અને રોજી રોટી માટે સુરત ના પાંડેસરામાં ઈશ્વરનગરમાં રહેતા અને પાંડેસરા જીઆઇડીસીની મિલમાં નોકરી કરતા કમલેશભાઈ વર્માનું પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં ખાતું છે. 28મી જાન્યુ.-20 સાંજે અલથાણ વીઆઇપી રોડ એસબીઆઈ બેંકના એટીએમમાંથી 5 હજારની રકમ ઉપાડી હતી.
તે તાત્કાલિક આ મામલે પોલીસ અને એસબીઆઈના બેંક મેનેજરે કમલેશ વર્માને અરજી આપવાની વાત કરી હતી. આથી તેઓ બેંકમાં અરજી આપતા બેંક મેનેજરે 90 દિવસમાં રૂપિયા પરત આવી જશે એવી હૈયાધરપત આપી હતી. 90 દિવસમાં રૂપિયા પરત ના મળ્યા અને બેન્કે પણ હાથ ઊંચા કરી લેતા સ્થિતિ કફોડી બની છે. દીકરીના લગ્ન માટે આ રકમ ભેગી કરેલી હતી અને થોડા સમયમાં લગ્ન લેવાના હતા. એક લાખની રકમ ખાતામાંથી ઉપડી જતા બાપને દીકરીના લગ્ન કેવી રીતે કરવા તેનો પશ્ન સતાવી રહ્યો છે.