Mysamachar.in-સુરત
સુરતના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે બેંકમાં ધમાલ મચાલી મહિલા કર્મચારી સહિત બે પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનાના કલાકોમાં જ ઘેર પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ આ મામલાની ગંભીરતા ને લઈને દેશના નાણામંત્રી નિર્મલા સિતારમને પણ ટ્વિટ કરી સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ અને કલેક્ટર ડો. ધવલ પટેલને પગલા લેવા સૂચના આપી છે.આ અંગે જે પ્રમાણે માહિતી મળી રહી છે.
તે મુજબ સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ ગત સોમવારે સાંજે સારોલી ખાતે આવેલી બેંકમાં ધસી જઈ દાદાગીરી કરી હતી. સંબંધી બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. ત્યારે બેંક કર્મચારીએ એન્ટ્રી નહીં પાડી આપતા આ પોલીસ કોન્સ્ટેબલે બેંકમાં જઈ હંગામો કર્યો હતો. બેંકમાં એલફેલ બોલી કોન્સ્ટેબલે કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન બેંકની એક મહિલા કર્મચારીએ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કરતા કોન્સ્ટેબલે હુમલો કરી મહિલાનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ અન્ય એક કર્મચારી પર પણ હુમલો કર્યો હતો.આ ઘટનાથી બેંક કર્મચારીઓમાં રોષ જોવા મળે છે. પોલીસ કોન્સ્ટેબલે મહિલા સાથે કરેલું વર્તન બેંકના CCTVમાં કેદ થઈ ગયું છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે. બેંકના સ્ટાફે આ મામલે પુણા પોલીસમાં ફરિયાદ આપી હતી. પુણા પોલીસે કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંધી તપાસ શરુ કરી અને કોન્સ્ટેબલ ઘનશ્યામ આહીરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે.