Mysamachar.in-સુરત
સુરત શહેરના પુણા વિસ્તારમાં રહેતા સગીરા છેલ્લા ત્રણ માસથી રહસ્યમય રીતે ગુમ હતી. બે દિવસ અગાઉ તેણીએ અજાણ્યા ફોન નંબર ઉપરથી પિતાનો સંપર્ક કર્યો હતો. એ પછી ડીસીબી પોલીસે પગેરૂ દબાવીને ગુમ થયેલી સગીરાને અંકલેશ્વર ખાતેથી શોધી કાઢીને પુણા પોલીસને સોંપી છે. સગીરાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, ઝાકીર નામના યુવાને તેણીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. પોલીસે ઝાકીરની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની લીંક મળતા આજે ઝાકીર ઇસ્માઇલ તરકી અને તેની પત્ની સના ઉર્ફે સુમૈયા તરીકીની અંકલેશ્વર ખાતેથી ધરપકડ કરાઈ છે,
પુણા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં રહેતાં એક પરિવારના પતિ-પત્ની બંને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમની ત્રણ પુત્રી, એક પુત્ર સાથે જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન 14 વર્ષિય દીકરી ત્રણ માસ અગાઉ ઘરેથી શેમ્પુ લેવા જાવ છું, એમ કહીને નીકળી હતી. એ પછી પરત નહીં ફરતાં પરિવારને એમ કે દાદીના ઘરે ગઇ હશે, એ પછી તેણી દાદીના ઘરે મળી આવી ન હતી. અંતે ગુમ થયેલી સગીરા અંગે પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. દરમિયાન ગત તા. 21 મે ના રોજ રાત્રીના સમયે ગુમ થયેલી મીનાએ પિતાના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરીને “હું ફસાઇ ગઇ છું. મને કયાં રાખવામાં આવી છે, એ સ્થળ મને જાણ નથી”. એ પછી ફોન કાપી નાંખ્યો હતો. સગીર પુત્રીના ગુમ થવા અંગે ડીસીબી પોલીસે તપાસમાં જોડાયને મોબાઇલ ફોન નંબરના આધારે પગેરૂ દબાવતાં મુંબઇ અને પછી ગુમ થયેલી મીના અંકલેશ્વર ખાતે હોવાનું બહાર આવ્યું હતું.
ડીસીબી પોલીસે અંકલેશ્વર ખાતેથી મીનાને શોધી કાઢીને પુણા પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે તેણીને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે મોકલી હતી. જે બાદમાં તેણીને કયાં કયાં લઇ જવામાં આવી હતી એ બાબતે પૂછપરછ કરતાં કિશોરીએ ઝાકીર નામનો યુવાન તેને ઉઠાવી ગયાનું જણાવ્યું હતું. ઉપરાંત ઝાકીર અજાણ્યા લોકો સાથે શરીર સબંધ બાંધવા દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું. આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થઇ હતી. જેણે મોબાઇલ સર્વેલન્સ અને કિશોરી દ્વારા કરવામાં આવેલા વર્ણનના આધારે તપાસ શરૂ કરી હતી. સતત વોચ રાખવાની સાથે જાણવા મળ્યું હતું કે, ઝાકીર અંકલેશ્વર પાસે જ ફરી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સતત વોચમાં હતી અને આખરે ઝાકીરની ખબર મળતા એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો.પતી પત્ની સગીરા પાસે દેહવ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે, આ મામલે પોલીસ વિશેષ તપાસ હાથ ધરી છે.