Mysamachar.in-સુરતઃ
આજે વહેલી સવારે સુરતથી નવસારી વચ્ચે ચીખલી પાસે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો, સ્કૂલ બસ પલટી મારી જતા 23 બાળકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના ગામના લોકો તથા પોલીસ કાફલો દોડી આવ્યા હતા અને બચાવકામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સ્કૂલ બસમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકો સવાર હતા, જેઓ સાપુતારાના પ્રવાસે જઇ રહ્યાં હતા. આ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5 વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી.
બાદમાં જાણવા મળ્યું કે ધોરણ 4થી 8નાં વિદ્યાર્થીઓએ સાપુતારા પ્રવાસે આજે વહેલી સવારે આશરે 5.45 કલાકની આસપાસ 57 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં (GJ-01-BV-9593) અંકલેશ્વરથી નીકળ્યા હતા. દરમિયાન ચીખલીના સુરખેવ નજીક બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માત આંખે જોનારનું કહેવું છે કે આ બસ થોડી સ્પીડમાં હતી. અને અચાનક જ પલટી ખાઇ ગઇ હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ ત્રણ બાળકોને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે.