Mysamachar.in-સુરત:
આજનો યુગ સોશ્યલ મીડિયાનો યુગ છે, અને આજના આ ઝડપી યુગમાં સોશ્યલમીડિયાના વિવિધ પ્લેટફોર્મ થકી અજાણ્યા લોકો સાથે આંખ મળી જતા આજના યુવકો અને યુવતીને જરાય વાર નથી લાગતી, પરંતુ આવા કિસ્સાઓમાં ક્યારેક ના થવાનું થતું હોવાનું સામે આવતું રહું છે, આવી જ એક ઘટના રાજ્યના મેટ્રોશહેર સુરતમાં સામે આવી છે, જ્યાં instgram એપ્લીકેશન પર આંખ મળી જવાની કિંમત સગીરાએ ચૂકવવાનો વારો આવ્યો છે, વાત એવી છે કે સુરતના નાનાવરાછા વિસ્તારમાં રહેતા વેપારીની 16 વર્ષીય પુત્રી જે ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેણીને છ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામમાં ધ્રુવ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. 19 વર્ષીય ઘ્રુવ અને કિશોરી બંને એકબીજાને મળતાં. જોકે, ધ્રુવે મિત્રતાનો ગેરલાભ ઉઠાવવા લાગ્યો હતો. અને સગીરાને ઘરે આવી તેને પોતાની મોટરસાયકલ ઉપર ફરવા લઈ જતો હતો અને બંને કેનાલ રોડ ઉપર આવેલી કોફી શોપમાં જઈ બેસતા હતા.

ત્યાં ધ્રુવ સગીરાને અડપલાં પણ કરતો હતો. થોડા સમય બાદ કોઈના કોઈ બહાને ડરાવી ધમકાવીને ધ્રુવ સગીરા પાસેથી પાસેથી ટુકડે ટુકડે કરીને કુલ રૂપિયા 1,92,000 પડાવી લીધા હતાં…પણ આ મામલાનો ભાંડાફોડ સગીરાના ઘરમાં ત્યારે થયો જયારે તેણીના પિતાનાં સંબંધીને રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં તેને આપવા માટે તિજોરીમાંથી રૂપિયા કાઢ્યા ત્યારે રૂપિયા ઓછા હોવાનું સામે આવતા પરિવારમાં પિતા દ્વારા પુત્રીને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેણે પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. મિત્ર ધ્રુવને આપ્યા હોવાનું કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે બાદ સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં છેડતી અને ડરાવી પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ધ્રુવની ધરપકડ કરી હતી.
