Mysamachar.in-સુરતઃ
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો વેવાઇ-વેવાણ ભાગી જવાના કિસ્સામાં નવો વણાંક આવ્યો છે, રવિવારની રાતે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. વેવાણ હાજર થવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાતા પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, તો પોલીસ દ્વારા વેવાણના પતિને જાણ કરવામાં આવી હતી. જોકે, વેવાણના પતિએ હવે પોતાની પત્નીને અપનાવવાનો ઈન્કાર કરતા મામલો ગૂંચવાયો છે, બાદમાં પોલીસે વેવાણના પિતાને બોલાવવાની ફરજ પડી હતી. જાણ થતાં વેવાણના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વેવાણ પરત આવી ગયા પરંતુ હજુ વેવાઇનો કોઇ પત્તો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું કહ્યું વેવાણે ?
મળતી માહિતી અનુસાર, વેવાણે પોલીસ સ્ટેશન હાજર થઈ જતા પોલીસે તેમના પતિ અને પરિવારને આ મામલે જાણ કરી હતી. વેવાણે પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદન અનુસાર, આ ઘટના બની તે અમારી ભુલ છે, હું અને વેવાઈ બંનેના પ્રેમ પ્રકરણમાં સમજૂતીથી છૂટા થયા છે, અને હું પોલીસ સ્ટેશન હાજર થઈ છું. જો કે વેવાઇ હજુ સુધી સામે આવ્યા નથી, જ્યારે વેવાણના પતિએ પણ વેવાણને અપનાવવાનો ઇનકાર કરતાં મામલો વધુ ગુંચવાયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ મામલે ફોટા વાયરલ થયા હતા, જેમાં લખાણ હતું કે, વેવાઈ વેવાણ ભાગી ગયા છે. યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. 10 દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી હતી, બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ, હવે તેમના માતા-પિતા ગાયબ થઈ જતા બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.