Mysamachar.in-સુરતઃ
છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચા જગાવનાર વેવાઇ-વેવાણ બાદ લોકોને રમૂજ કરવાની વધુ એક તક મળી છે. સુરતમાં જ કતારગામમાં જ રહેતા 32 વર્ષનો યુવક તેની 45 વર્ષની સગી કાકીસાસુને ભગાડી ગયો હોવાની ચર્ચાઓ ઉઠવા લાગી છે. કાકીસાસુ અને જમાઈ એક જ સોસાયટીમાં રહે છે. બંન્ને ત્રણ દિવસથી ગુમ છે. પરંતુ પરિવારે સમાજમાં બદનામી ન થાય તે માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ યુવક કાપડ માર્કેટ સાથે સંકળાયેલો છે. તેઓ એકબીજાનાં પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી મળતા પણ હતાં. આ પહેલા પણ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં હતા.
કાકીસાસુ સાથે રંગેહાથ પકડાતા જમાઈને ઘણો જ માર પણ મારવામાં આવ્યો હતો. જે બાદમાં બંન્નેએ પરિવાર વચ્ચે વાતચીતથી વાત પતી હતી. જે તે સમયે જમાઈએ પરિવારને બાંહેધારી પણ આપી હતી કે, ફરી આવુ નહીં થાય. ત્યારે ફરીથી ત્રણ દિવસથી યુવક અને કાકીસાસુ બંન્ને ગુમ છે. ત્યારે પરિવારે ખાનગી રીતે એ બંન્નેને શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે. કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ પણ કેટલાય દિવસોથી ભાગી ગયાની વાતે ભારે ચર્ચા જગાવી છે, ત્યારે કતારગામ વિસ્તારમાં વધુ એક પ્રેમીજોડાના ફરાર થવાથી શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.