Mysamachar.in-સુરતઃ
છેલ્લા કેટલાક સમયથી લેભાગુ તત્વો દ્વારા જાણીતી કંપનીઓની ચીજવસ્તુઓની નકલ કરી બજારમાં ખુલ્લેઆમ વેચવામાં આવી રહી છે, નકલી ગરમ મસાલા બાદ હવે નકલી શેમ્પું અને વોશિંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું છે. સુરતના મહુવાના તરસાડી ગામે એક ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ તેમજ કપડા ધોવાના પાઉડર બની રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કંપનીના માણસો તથા સ્થાનિક પોલીસની ટીમે રેડ પાડી હતી. જેમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની રેડ દરમિયાન કેટલાક ઈસમો ગોડાઉનમા ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવી રહ્યા હતા. પોલીસ અને કંપનીના માણસોએ આ ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવી ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર અને તે ભરવા માટેના પાઉચ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.