Mysamachar.in-સુરતઃ
ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતું સુરત શહેર હવે ગેંગસ્ટર અને માફિયાઓને કારણે બદનામ થઇ રહ્યું છે, ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસમાં જાહેરમાં બે મોટા ગેંગસ્ટરને ઢાળી દેવાની ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સુરતમાં આમ તો અનેક માફિયા ગેંગ સક્રિય હોવાનું કહેવામાં આવે છે જેઓ વેપારીઓને ટાર્ગેટ કરી ખંડણી માગવા માટે કુખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ માફિયા ગેંગ વચ્ચે અંદરોઅંદર ગેંગવોરની સ્થિતિ સર્જાઇ છે. ત્રણ દિવસ પહેલા ખંડણીખોર વસીમ બિલ્લાને ગોળી મારી જાહેર ઢાળી દેવાયો હતો, હવે જેલમાંથી જામીન પર છૂટેલા ગુડ્ડુ ગેંગના રીઢા ગુનેગારને બે ગોળી મારી પતાવી દેવાયો છે. જાહેરમાં બંને ઘટના બની હોવાથી શહેરવાસીઓમાં ફફડાટની સાથે પોલીસ પણ આંગળી ચિંધાઇ રહી છે.
પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગીતાનગર સોસાયટીની ગલીમાં શુક્રવારે રાત્રે ગુડ્ડુ ગેંગના રીઢા ગુનેગાર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. હુમલાખોરથી બચવા માટે સચિન મિશ્રા જીવ બચાવવા નજીકના એક મકાનમાં ઘુસી ગયો હતો, જો કે હુમલાખોરોએ અહીં આવી ગળાના ભાગે ગોળી માટી હત્યા નીપજાવી ફરાર થઇ ગયા. આ હત્યા ગેંગવોરમાં થઈ હોવાની આશંકા છે. મરનાર સચિન દિનેશ મિશ્રા બે દિવસ પહેલાં લાજપોર જેલમાંથી છુટ્યો હતો.ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિષના ગુનામાં તે બે મહિનાથી જેલમાં બંધ હતો. ત્રણ હુમલાખોરોએ બાઇક પર આવી જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ નવસારીમાં છાપરા રોડ ઉપર મણીનગર સોસાયટી નજીક જીમમાંથી બહાર નીકળી ઘરે જઇ રહેલા માથાભારે વસીમ બિલ્લાની કાર રોકી ચાર જણાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી બે બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં વસીમ બિલ્લાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.