Mysamachar.in-સુરતઃ
વિદેશી યુવતીની મીઠી મીઠી વાતોમાં આવી જઇ સુરતના વરાછામાં રહેતાં રત્નકલાકારને હાલ રોવાનો વારો આવ્યો છે. પહેલા ફેસબૂક અને ત્યારબાદ વોટ્સએપ નંબર આપી મહિલાએ રત્નકલાકારને પોતાની વાતમાં ફસાવી રૂપિયા 29 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા. જો કે વધારાના 15 લાખ માગતા રત્નકલાકારની આંખ ઉઘડી અને તેણે સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાત છે કે વરાછામાં રહેતા પ્રવિણ બોઘરાની જેઓને Diana Maxwellના નામથી ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ફેસબૂક પર રંગીન વાતો કર્યા બાદ યુવતીએ પોતાનો વોટ્સએપ નંબર +447938593690 પણ આપી દીધો અને ફરી વોટ્સએપ પર બંને વાતો કરવા લાગ્યા. યુવતીએ પોતાની ઓળખ યુરોપની વતની તરીકે આપી હતી.
મૂળ ભાવનગરમાં રહેતા પ્રવિણ એક જાણીતી ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે. એક દિવસ ડાયેનાએ પ્રવિણને કહ્યું કે તેના માટે અનેક ગિફ્ટ મોકલી છે, સાથે વોટ્સએપ પર રશીદનો ફોટો પણ મોકલ્યો, બાદમાં પ્રવિણને એક મહિલાનો ફોન આવ્યો, જેમાં તે મહિલા મુંબઈ એરપોર્ટથી બોલતી હોવાનું કહી તમારું એક પાર્સલ આવ્યું હોવાનું જણાવ્યું, આ પાર્સલ છોડાવવા માટે 35,000 રૂપિયા શિપમેન્ટ ચાર્જ ભરી છોડાવી જવાનું કહ્યું. જો કે પ્રવિણે જાતે નહીં આવી શકે તેમ કહેતાં મહિલાએ SBIના એકાઉન્ટમાં પૈસા ભરી આપવા જણાવ્યું. આવી રીતે એક પછી એક એમ પ્રવિણે અજાણી મહિલાના એકાઉન્ટમાં 29 લાખથી વધુ રૂપિયા ભરી દીધા. આ દરમિયાન ગોરી મેમ ડાયેનાએ પણ વાતચીત ચાલુ રાખી અને વધુ કેટલીક ગિફ્ટ મોકલી છે, જેમાં 30,000 પાઉન્ડ, 70,000 પાઉન્ડનો ડ્રાફ્ટ ચેક, પાંચ જીન્સ, પાંચ ટીશર્ટ, ગોલ્ડ વોચ, નેકલેસ, પાકીટ, પરફ્યુમનો સેટ સહિતની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપતી રહી. જો કે અંતે પ્રવિણને કાંઇક ખોટું થયા અંદાજ આવી ગયો અને તુરંત તેણે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. વિદેશી યુવતીઓના નામે છેતરપીંડિનો આ પ્રથમ કિસ્સો નથી, અનેક યુવાનો આવી રીતે ફસાયા હોવાના દાખલા છે, ત્યારે અન્ય યુવકોએ પણ આવી ઘટનામાંથી પ્રેરણા લઇને છેતરપીંડિથી બચવું જોઇએ.