Mysamachar.in-સુરતઃ
સુરત શહેરમાં લેડી ડોન તરીકે ઓળખાતી ભૂરી ઉર્ફ અસ્મિતા ગોહિલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દારૂની 215 બોટલ સાથે ભૂરી અને તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ભૂરી અને તેના સાગરીતની દારૂ, ફોન અને કાર સહિત કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે આ દારૂ 31મી ડિસેમ્બરે પાર્ટીમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સરથાણા જકાતનાકા પાસે દાતાર હોટલની સામેથી નિલેશ સાકરીયા અને ભૂરી ઉર્ફ અસ્મિતા સ્કોડા કાર (નંબર જીજે 06 એફ કે 670)માં દારૂની ખેપ મારી રહ્યાં છે. જેવા બંને ત્યાંથી પસાર થયા કે તુરંત પોલીસે અટકાવી ઝડતી લીધી હતી, જેમાં પરમિટ વગરનો 215 નંગ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બે મોબાઈલ સાથે કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જાહેરમાં દંગલ કરવા માટે કુખ્યાત ભૂરી હવે બૂટલેગર બની ગઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વર્ષ 2018માં ધૂળેટી દરમિયાન જાહેરમાં છરી લઇને દંગલ કર્યા બાદ ચર્ચામાં આવેલી ભૂરી અવાર નવાર કોઇના કોઇ ગુનામાં ચર્ચામાં રહેતી હતી. થોડા સમય પહેલા જ તેણીએ દીવમાં પોતાના સાગરિત સાથે કોઇક સાથે માથાકૂટ કરી હતી. ભૂરી વિવિધ ગુના હેઠળ પાસા હેઠળની સજા ભોગવી ચૂકી છે. ઉલ્લેખીય છે કે ગીર સોમનાથના ઉના તાલુકાના ગાંગડા ગામની વતની ભૂરી 2015માં ઘરેથી ભાગી ગઈ હતી. ઘરમાં છ બહેનો અને એક ભાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે માથાભારે અને ઘરેથી ભાગી જનાર ભૂરી સાથે હવે માતા પિતાને કોઈ જ સંબંધ નથી અને તે આવારાગીરી કરતાં દોસ્તો સાથે હવે જોહુકમી ચલાવે છે. ભૂરી ડોન અગાઉ છ ગુનાઓમાં સુરત પોલીસના હાથે પકડાઈ હતી.