Mysamachar.in-સુરતઃ
સુરતમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે, અહીં અઠવા લાઇન્સ વિસ્તારમાં 65 વર્ષિય રિક્ષા ચાલકે ટ્રાફિક મેમોથી કંટાળી આપઘાત કરી લીધો, એટલું જ નહીં રિક્ષા ચાલકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી, જેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે મારા મૃત્યુ પાછળ સરકાર જવાબદાર છે. હાલ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી સુસાઇડ નોટની ખરાઇ સહિતની કામગીરી હાથ ધરી હતી, બીજી બાજુ આપઘાત પાછળ સરકારને જવાબદાર ઠેરવવાની વાતથી ભારે ચર્ચા જાગી છે. અઠવાલાઈન્સ વિસ્તારમાં 65 વર્ષીય સરફરાઝ શેખ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ નવા ટ્રાફિક નિયમોથી છેલ્લા કેટલાક સમયથી તેઓ ચિંતામાં હતા. અચાનક તેઓએ પોતાના રૂમમાં કબાટ પર સુસાઇડ નોટ ચોંટાડી ગળેફાંસો ખાઇ લીધો, સરફરાઝના આપઘાતની જાણ થતા જ પરિવાર ચોંકી ઉઠ્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અઠવાલાઈન્સ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
સુસાઈડ નોટમાં શું લખ્યું
આપઘાત બાદ સરફરાઝ શેખના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટમાં લખેલું હતું કે, 'કમિશનર સાહેબ મારી આત્મહત્યાનું કારણ મારા ઘરવાળા નથી સરકાર છે. હું એક રિક્ષાવાળો છું અને રિક્ષા ચલાવી મારો સંસાર ચલાવું છું. અત્યારે મોદી સાહેબે ખરાબ કાયદા બહાર પાડી દીધા હોવાથી બધા રિક્ષાવાળા હેરાન થઈ ગયા છે, કારણ કે સુરત પોલીસ એકવાર રોકે એટલે 500 દંડ છે. રિક્ષાવાળો 5, 10 રૂપિયા ભેગા કરી સંસાર ચલાવતા હોય તેમાં 500નો દંડ મળે તો તેનો સંસાર કેવી રીતે ચાલી શકે. મારા મોત માટે જવાબદાર મોદી અને સરકાર છે. મારી રિક્ષા કોઈને ભાડે આપવી નહીં અને રિક્ષા વેચી મારી અંતિમ ક્રિયા કરી લેજો.'