Mysamachar.in-સુરતઃ
સુરત શહેરના પોષ વિસ્તાર ગણાતા ડુમ્મસ રોડ પર આવેલા રાહુલરાજ મોલમાં પોલીસે સ્પામાં મેગા રેડ પાડી હતી. 13 જેટલા સ્પામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી છે. તો 7 જેટલા સ્પાના મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલિકોને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પીસીબીના પીઆઈ દ્વારા મોલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલી તમામ વિદેશી યુવતીઓ વર્કમપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164નું નિવેદન પણ લેવડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે એકલી યુવતીઓને મકાનમાં આપવામાં લોકો અચકાતા હોય છે. જો કે આ વિદેશી યુવતીઓ મકાનમાલિકોને ડબલ ભાડું આપતી હોવાથી સરળતાથી મકાન મળી જાય છે. પીસીબીએ જે થાઇલેન્ડની યુવતીઓને પકડી છે. તેમાંની મોટાભાગની યુવતીઓ મગદલ્લામાં ભાડેથી રહે છે. અન્ય બે-ત્રણ યુવતીઓ જ ભટારમાં રહે છે.