Mysamachar.in-સુરતઃ
સુરત ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે, દેશભરની પોલીસના નાકમાં દમ કરનારી ગ્વાલા ગેંગ અંતે પકડાતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે. સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે શખ્સોની અટકાયત કરી હતી. મૂળ બંગાળના રહેવાસી એવા આ શખ્સો સુરતમાં સ્નેચિંગની ઘટનાને અંજામ આપવા માટે શિકારના શોધમાં હતા પરંતુ પોલીસે ઝડપી લીધા. બંને યુવકો પાસેથી ઘરેણાં, મોબાઇલ અને બાઇક સહિત કુલ 7.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને શખ્સોની પુછપરછમાં એક પછી એવી વિગત સામે આવી કે પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.
સુરતમાંથી ઝડપાયેલા શખ્સો સિન્ટું ગ્વાલા અને ચંદન ગ્વાલા (રહે, ઝાંઝીપાડા, રાજગંજ, જલપાઇગુડી)એ સુરતમાં બે અને અમદાવાદના ત્રણ ગુના કબૂલ્યા છે, આ સિવાય બંનેએ પુછપરછમાં જણાવ્યું કે પોતે સ્નેચર છે. તેઓ 900 કિમી દૂરથી બાઇક ચલાવીને સ્નેચિંગ કરવા આવ્યા હતા. બંને જલપાઇગુડીથી પટના ૪૮૮ કિલોમીટર બાઇક ચલાવી આવ્યા હતાં. અહીંથી તેઓએ ટ્રેનમાં બાઇક મૂકી અને અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત, વાપી અને ફરી સુરત એમ 400થી વધુ કિમીનો પ્રવાસ માત્ર રેકી કરવા માટે કર્યો હતો.સિન્ટું અને ચંદન ગ્વાલા સમૂદાયમાંથી આવે છે. કહેવાય છે કે આ સમૂદાયમાં ઘણાં લોકો બાળપણથી જ ચોરીના રવાડે ચડી જાય છે. ઝડપાયેલા શખ્સોએ દેશભરમાં અત્યાર સુધીમાં દોઢસોથી વધુ ચોરી કરી ચૂક્યા છે. વતન જલપાઇગુડીથી મોટર સાયકલ પર નીકળી તેઓ ચોરી માટે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરી નાંખે છે. તેઓ બંગાળ અને આસામમાં ચોરીના ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે.