Mysamachar.in-સુરતઃ
સુરતમાં વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા છે. ગરનાળું પાર કરતી વખતે પુત્રીનો પગ રેલવે ટ્રેક પર ફસાઇ ગયો હતો, જે જોઇ પુત્રીને બચાવવા માટે માતાએ દોટ મૂકી હતી, પરંતુ કાળ બની આવેલી ટ્રેને બંનેને કચડી નાખ્યા. બાદમાં ટ્રેનના ડ્રાઇવરે સ્ટેશન માસ્ટરને જાણકારી આપતા પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ હાથ ધરી હતી, મૃતકોમાં 30 વર્ષિય રેખા ડામોર અને તેની 7 વર્ષિય પુત્રી રિતિકા ડામોર કે જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બંને માતા-પુત્રી સહિત 20થી 25 લોકો ટ્રેક મેન્ટેનન્સનું કામ કરી રહ્યાં હતા. મૃતક માતા-પુત્રી સામાજિક પ્રસંગે વતન ગયા હતા બે દિવસ પૂર્વે જ વતનથી પરત આવ્યા હતા. બીજી બાજુ સ્થાનિકોનું કહેવું છે કે સુરત ઉધના વચ્ચે આવેલી ખાડીઓ અને નાળા ઉપર બિછાવાયેલા ટ્રેકની આસપાસ જગ્યા નથી. અહીંથી પસાર થતી વ્યક્તિઓ ઝડપથી રસ્તો પાર કરવાની લાયમાં ટ્રેનની અડફેટે આવી ચડે છે. આ વિસ્તારમાં વર્ષે 8થી વધુ દુર્ઘટના સર્જાય છે, તંત્ર દ્વારા માત્ર ભયજનક પાટિયા લટકાવી દેવામાં આવે છે, ત્યારે અહીં કોઇ કોઇ ચોક્કસ પગલા લેવામાં આવે તેનું લોકોનું કહેવું છે.