Mysamachar.in-સુરતઃ
જામનગર સહિત રાજ્યભરમાં મોંઘવારીને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર આફત આવી પડી છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર વર્તાઇ રહી છે. કમોસમી વરસાદને કારણે પ્રાથમિક જીવન જરૂરિયાત એવા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. એમાય સૌથી વધુ વપરાતી ડુંગળીના ભાવ છેલ્લા કેટલાક સમયથી 100 રૂપિયાને પાર થઇ ગયા છે. જે ડુંગળી 50 રૂપિયાની અંદર કિલો મળતી તે હાલ 100થી 200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી છે. જો કે ડુંગળીને લઇને સુરતમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. તમે સોના-ચાંદી કે રોકડ રૂપિયાની ચોરી વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ ડુંગળી ચોરી થઇ હોય એવું ક્યારેય સાંભળ્યું છે ? વાત છે સુરતના પાલનપુર પાટીયા માર્કેટની, જ્યાં ડુંગળીના પાંચ કટ્ટાની ચોરી થતા ભારે ચર્ચા જાગી છે. આ પાંચ કટ્ટામાં અંદાજે 250 કિલો જેટલી ડુંગળીનો જથ્થો રાખેલો હતો. ડુંગળીની ચોરી થતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે હાલ ડુંગળી સોના જેટલી જ કિંમત છે. તેથી ચોરને આ ડુંગળીથી સારા એવા પૈસા મળશે. ડુંગળીની ચોરીની આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ બિહારમાં ડુંગળી ચોરીની ઘટના સામે આવી ચૂકી છે.