Mysamachar.in-સુરતઃ
સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અહીં ATMમાં છેડછાડ કરી લાખો રૂપિયાની ઉચાપત કરનારી કુખ્યાત મેવાતી ગેંગના ચાર સભ્યોને દબોચી લેવામાં આવ્યા છે. મેવાતી ગેંગ દેશભરમાં એટીએમ ફ્રોડ કરવાના ગુનામાં વોન્ટેડ હતી. પોલીસે ધરપકડ કરેલા ચારેય આરોપીઓ પાસેથી 25 ATM કાર્ડ, 6 મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા જપ્ત કર્યા છે. પૂછપરછમાં બહાર આવ્યું કે આ ગેંગના તમામ સભ્યો અભણ છે, તેઓ ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરતા હતા. આ તમામ આરોપીઓ મૂળ હરિયાણાના નુહુ જિલ્લા નજીક મેવાતના રહેવાસી છે. થોડા સમય પહેલા જ આ ગેંગ દ્વારા સુરતમાં ભાગા તળાવમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને નિશાન બનાવવામાં આવ્યું હતું.
સૌપ્રથમ આ ટોળકી દ્વારા શહેરમાં એવા એટીએમનો સરવે કરવામાં આવતો જ્યાં સિક્યોરિટી ગાર્ડ ન હોય. ત્યારબાદ આ ટોળી એટીએમમાં પ્રવેશી કાર્ડ મારફતે રૂપિયા ઉપાડતી, જેવા રૂપિયા મશીનમાંથી નીકળે કે તુરંત આ ટોળકીના સભ્યો એટીએમ મશીનની સ્વિચ બંધ કરી દેતા હતા, જેથી મશીન બંધ થઈ જવાથી ડેટા સ્ટોર થતો નહીં, ત્યાર બાદ આ ટોળકી બેંકમાં ફોન કરીને ફરિયાદ કરતી કે એટીએમમાંથી રૂપિયા નીકળ્યા જ નથી, બેંક પણ તપાસ કરતી પરંતુ મશીન અચાનક બંધ થવાના કારણોસર ડેટા દેખાતા નહીં. નિયમ પ્રમાણે આ ટોળકીના ખાતામાં રૂપિયા પરત નાખી દેવામાં આવતા. આ અભણ ટોળકીએ આવી રીતે સુરત સહિત અનેક જગ્યાએ આ રીતે નાણા ઉચાપતને અંજામ આપ્યો છે. ત્યારે પોલીસે સમગ્ર વિગત નોંધી તપાસ હાથ ધરી છે.