Mysamachar.in-સુરતઃ
સુરત શહેરને લાંછન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે. અહીં ઉમરવાડા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 12 વર્ષિય બાળકી સાથે આ વિસ્તારમાં દુકાનદારે ચાર-ચાર વખતે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. બાળકીની તબીયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, અહીં પ્રાથમિક તબક્કે દુષ્કર્મ થયાની પુષ્ટિ તબીબો આપી રહ્યાં છે. અહીં દુષ્કર્મ અંગે એમએલસી કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ હાલ ચાલી રહી છે. પ્રાથમિક વિગત પ્રમાણે ઉમરવાડામાં રહેતા શ્રમિક પરિવારની 12 વર્ષિય યુવતી છેલ્લા કેટલાક સમયથી ઘરમાં ગુમસૂમ રહેતી હતી, છેલ્લા કેટલાક સમયથી પેટમાં દૂખાવાની ફરિયાદ પણ કરતી હતી. એક દિવસ તેની માતાએ સમજાવી પુછપરછ કરી તો બાળકીએ ભયાનક હકીકત જણાવી, જે સાંભળીને તેની માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ. બાળકીએ જણાવ્યું કે આ વિસ્તારમાં જ આવેલી દુકાનના દુકાનદારે ચાર-ચાર વખત દુષ્કર્મ આચર્યું. પાંચમીવાર પણ હાથ પકડી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો જો કે દુકાનદારની બહેન આવી જતાં હાથ છોડી દીધો હતો. તપાસમાં બહાર આવ્યું કે નરાધમ દુકાનદારની ત્રણ પત્નીઓ તેને છોડીને જતી રહી છે. એટલું જ નહીં બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ માતા પિતાને મારી નાખવાની ધમકી આરોપી આપતો હતો.