Mysamachar.in-સુરતઃ
સુરતમાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં માવો ખાધા બાદ એક વ્યક્તિનું મોત નીપજતા ભારે ચર્ચા જાગી છે. વાત એવી છે કે સુરતના વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય બીપીનભાઈને રવિવારે બપોરના સમયે માવો ખાઘા બાદ અચાનક ચક્કર આવી ગયા. ચક્કર આવવાને કારણે બીપીનભાઇ ત્રીજા માળે ગેલેરીમાંથી નીચે પટકાયા હતા. નીચે પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જો કે ગંભીર ઇજાને કારણે બીપીનભાઇ જીવન મરણ વચ્ચે જંગ હારી ગયા અને તેમનું અવસાન થયું હતું. બીપીનભાઇ મૂળ અમરેલીના રહેવાસી છે અને તેમને સંતાનમાં બે પુત્રો છે. એવામાં નાની ઉંમરે પિતાના મોતથી બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ છે. સિવિલ હોસ્પિટલે પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.