Mysamachar.in-સુરતઃ
આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, આ કહેવતને સાર્થક કરી બતાવી છે સુરતના કામરેજમાં રહેતા એક જમીન દલાલે, સામાન્ય રીતે જમીનના સોદા પાડવામાં માસ્ટર એવા એક જમીન દલાલનું મહારાજે અઢી કરોડનું કરી નાખ્યું. વાત એવી છે કે જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા. મહારાજે કહ્યું કે 36 મણ સોનું કાઢવા માટે ઘરમાં હવનની વિધિ કરવી પડશે, આ વિધિમાં તમારે 36 તોલા સોનું ચડાવવું પડશે. જમીન દલાલને થયું કે જો 36 મણ સોનું મળવાનું હોય તો 36 તોલા સોનું ચડાવવામાં કાઇ વાંધો નહીં. આથી તેણે જેમ મહારાજે કહ્યું તેમ કર્યું, એટલું જ નહીં મહારાજે જમીન દલાલને કહ્યું કે ઘરમાં વિધિ કરવાની રહેશે, આ માટે મહારાજે રીતસરનું ઘરની અંદર ખાડો પણ ખોદ્યો, બાદમાં તેણે કહ્યું કે 15 દિવસ બાદ તમારું ઘર ખોલશો તો તેમાંથી સોનાથી ભરેલા દેગડા નીકળશે. જો કે અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું. મહારાજ 36 તોલા સોનું લઇને ફરાર થઇ ગયો અને જમીન દલાલ રાહ જોતો જ રહી ગયો. છેતરપીંડિ થયાનું બહાર આવતાં જ જમીન દલાલ પોલીસના સહારે પહોંચી ગયો અને ફરિયાદ નોંધાવી. જેમાં જણાવ્યું કે છેતરપીંડિ કરનાર મહારાજ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. કામરેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.