Mysamachar.in-સુરતઃ
તહેવાર ટાંણે જ મંદીને કારણે અને યુવાનો બેકાર બન્યા છે, જેમ બેકારી વધતા ગુનાખોરીમાં પણ વધારો થાય એ તો જગજાહેર છે. એવામાં મંદીની ખાસ અસર સુરતમાં વધારે જોવા મળી રહી છે, અહીં હીરાના અનેક કારીગરોની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આવી સ્થિતિને કારણે ના છૂટકે બેકાર યુવકો અવળા રસ્તે જવા મજબૂર બન્યા છે. આવી જ એક ઘટનામાં હીરાના પાંચ જેટલા કારીગરોએ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું. જો કે તમામની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ પાંચેય યુવાનોએ યુ ટ્યુબ પરથી કેવી રીતે ડુપ્લિકેટ નોટ છાપવી તેની માહિતી મેળવી હતી. સૌપ્રથમ SOGની ટીમે વડોદરાની બજારમાં ચલણી નોટ ફરતી કરવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી હતી, ત્યારબાદ પુછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો અને તેના છેડા સુરતમાં હોવાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસે સુરતમાંથી માસ્ટર માઇન્ડ સહિત 5 શખ્સોની કલર પ્રિન્ટર સહિત 22,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SOGએ કોભાંડના ભેજાબાજ આશિષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે હીરાના વેપારમાં મંદી હોવાને કારણે નકલી નોટ છાપવાનો પ્લાન ઘડ્યો હતો, આ પ્લાનના માસ્ટમ માઇન્ડ સંજય પરમારે યુ ટ્યુબ પર સરળતાથી કેવી રીતે ચલણી નોટ છાપી શકાય તે અંગે વીડિયો સર્ચ કર્યો હતો, બાદમાં કલર પ્રિન્ટરની મદદથી 100 અને 500ના દરની 1.60 લાખની નોટ છાપી હતી. બાદમાં બધાને વેચી માર્કેટમાં ફરતી કરવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે તેઓ સફળ રહ્યાં નહીં અને પોલીસના હાથ ચડી ગયા. પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે.