Mysamachar.in-સુરતઃ
સમાજમાં છેલ્લા કેટલાક સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું ચલણ વધ્યું છે. જો કે આ દરમિયાન અનેક પ્રશ્નો ઉભા થવા લાગતાં કાયદાકીય સુધારાની પણ માંગ ઉઠી છે. જો કે મીયા-બીબી રાજી તો ક્યા કરેગા કાજીને કારણે કદાચ સુધારાને અવકાશ નથી. આવી જ એક લિવ ઇન રિલેશન પડી ભાંગ્યાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં અનેક ટ્વીસ્ટ હતા, જેમાં 10 વર્ષ સુધી પ્રેમીકા-પ્રેમી સાથે રહ્યાં અને અચાનક ઘર સાફ કરી પ્રેમીકા છોડીને જતી રહી એટલું જ નહીં આઘાતમાં સરી પડેલા યુવકે આપઘાત પણ કરી લીધો. એટલું જ નહીં પ્રેમીકા અગાઉથી જ પરિણીત હતી, તેમ છતા તે પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી હતી.
વાત એવી છે કે મૂળ પાલનપુરનો રહેવાસી અને સુરતમાં ચોકલેટની એજન્સીનો ધંધો કરતાં દિનેશ પ્રજાપતિને સુરતમાં જ રહેતી સપના પારેખ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જો કે સપના અગાઉથી જ પરિણીત હતી અને આ લગ્નમાં તેને એક સંતાન પણ હતું, તેમ છતા દિનેશે સપના સાથે લિવ ઇન રિલેશનમાં રહેવાનું નક્કી કર્યું. છેલ્લા 10 વર્ષથી બંને લિવ ઇનમાં રહેતા હતા, અચાનક ગત નવરાત્રીમાં ત્રીજા નોરતે સપના ઘરમાં દાગીના, રોકડ રકમ લઇ ફરાર થઇ ગઇ. સપનાએ દગો દેતા દિનેશ પોતાના વતન પાલનપુર પરત ફર્યો, અહીં તેણે મોબાઇલ ફોન પર સપનાનો સંપર્ક કરી સમજાવવાના અનેક પ્રયાસ કર્યા, જો કે સપના ટસની મસ ન થઇ અંતે ઊંડા આઘાતમાં સરી પડેલા દિનેશે ઝેરી દવા પી આપઘાત કરી લીધો. સમગ્ર ઘટના અંગે દિનેશના ભાઇએ સપના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.