Mysamachar.in-પાટણઃ
ફરી એકવાર ભાજપના નેતા અશ્લિલ વીડિયોને કારણે ભારે ચર્ચામાં આવ્યા છે. આ વખતે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનોજ ઝવેરીએ વોટ્સએપ ગ્રૂપમાં મોડી રાતે ધડાધડ 16 જેટલા અશ્લિલ વીડિયો મૂકી દીધા. આ ગ્રૂપમાં ભાજપના અનેક નેતાઓ, સંસ્થાઓની મહિલા પ્રમુખો, અધિકારીઓ અને વેપારીઓ સહિતના લોકો સામેલ છે. ત્યારે અશ્લિલ વીડિયો મૂક્યા બાદ ગ્રૂપમાં જ કેટલાક લોકોએ મનોજ ઝવેરીની ઝાટકણી કાઢી એડમિનને આ વ્યક્તિને ગ્રૂપમાંથી કાઢવાનું કહ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે અરે આ શ્રીમાન કોણ છે કે આવા વિકૃત માનસિકતા ધરાવે છે. જેમને ખ્યાલ જ નથી કે આ સમાચારનું ગ્રૂપ છે. અને આમાં સ્ત્રીઓ કે માં-બહેનો પણ જોડાયેલા છે. પૂછયા વગર આને સીધો ગ્રૂપની બહાર કરો ભાઈ. આવી વિકૃત માનસિકતા ધરાવતા નિર્લજ્જ લોકો જ બળાત્કારના ગુના કરતા હોય છે. ખૂબ જ શરમજનક ઘટના છે હો ભાઈ.'
બીજી બાજુ જ્યારે શહેર તથા રાજ્યમાં અશ્લિલ વીડિયો મૂકાયા હોવાની વાત ફરતી થતા મનોજ ઝવેરીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો, એક ગુજરાતી ન્યૂઝ વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે મનોજ ઝવેરીએ જણાવ્યું કે મને તો મોબાઇલ ચાલુ બંધ કરવા સિવાય કંઇ આવડતું નથી. હું રાત્રે લગ્ન પ્રસંગના વરઘોડામાં હતો. દોશીવટ બજારથી હું જોડાયો હતો અને દેના બેંક પાસે પહોંચતા સુધીમાં રાત્રે 11 કલાકના અરસામાં મોબાઇલ ખોવાયો હતો. ત્યારે વરઘોડામાં કપડાં પહેર્યા હોય તેવો છોકરો મોબાઇલ તેને મળ્યો હતો તેમ કહી આપી ગયો. ત્યાર પછી ગ્રૂપ એડમીનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી. જોકે તરત જ ગૃપમાંથી લેફ્ટ થઇ ગયો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે, આ મુદ્દો મંગળવારે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતાં મનોજ પોતે તો આ ગ્રૂપમાંથી નીકળી ગયો પરંતુ કલાકો સુધી વીડિયો ડિલિટ કર્યા ન હતા. સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવું છે કે નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવશે. જો કે ખુલાસો જ્યારે પુછાય ત્યારે પરંતુ વધુ એક ભાજપ નેતા દ્વારા વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલતા ફેલાવવામાં આવી હોવાથી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.