Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ વચ્ચે શું સંબંધો છે, એ મુદ્દે ગુજરાત પોલીસ અને બુટલેગરો તથા દારૂના પ્યાસીઓ ઘણું બધું જાણતાં હોય છે પરંતુ તેમાંની કેટલીક બાબતો જ, જનજન સુધી પહોંચતી હોય છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં દમણ લીકરશોપનો એક મામલો ચાલ્યો, તેની વિગતો જાણવાજોગ લેખાવી શકાય તેમ છે.
દમણમાં દારૂબંધી ન હોવાથી ત્યાં શરાબના ધંધાર્થીઓ કરોડો રૂપિયા કમાતાં હોય છે. દમણ દીવની માફક દારૂબંધીવાળા ગુજરાતની સરહદે આવેલું હોય, દમણનો દારૂ ગુજરાતમાં કાયમ ચર્ચાસ્પદ રહે છે. અને ગુજરાત પોલીસ દમણ પર પણ નજર રાખીને બેઠી હોય છે. દમણ અને ગુજરાત વચ્ચે પ્યાસીઓ અને દારૂની હેરફેર પોલીસ માટે રસનો, ફરજનો અને કમાણીનો પણ વિષય છે.
તાજેતરમાં ગુજરાતની વડી અદાલતે એક રસપ્રદ કેસમાં સ્પષ્ટ રીતે ઠરાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં લીકરશોપ ધરાવતી વ્યક્તિ વિરુદ્ધ ગુજરાતમાં પ્રોહિબિશન કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહીઓ થઈ શકે નહીં. આ સાથે જ, વડી અદાલતે આ મામલે વલસાડ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી આ ફરિયાદ અને એ અનુસંધાને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીઓ પણ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.
દમણના વાઇન-લીકરશોપ માલિકે આ મામલામાં વલસાડ પોલીસની ફરિયાદ અને કાર્યવાહીઓ વિરુદ્ધની કવોશિંગ પિટિશન વડી અદાલતમાં ફાઈલ કરી હતી. આ કેસમાં અરજદાર વતી એવી પણ રજૂઆત થઈ હતી કે, અરજદારને ગુનામાં સંડોવી કાઢવામાં આવ્યા છે. અને તેની વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. જયારે હકીકત એ છે કે, આ અરજદાર પોલીસની ગેરકાયદેસર નાણાંની માંગ સામે ઝૂકયા ન હોવાથી તેને આ મામલામાં ફસાવવામાં આવી રહ્યા છે.
આ કેસમાં એવી પણ ચોંકાવનારી રજૂઆત થઈ કે, જેઓ દમણમાં લીકરશોપ ધરાવતાં હોય એવા કાયદેસરના ધંધાર્થીઓ પાસેથી ગુજરાત પોલીસ ખંડણી ઉઘરાવવા ચાહે છે. ગુજરાત પોલીસ આ પ્રકારના દમણના વાઇન-લીકરશોપ માલિકોને છેલ્લા કેટલાંક સમયથી પરેશાન કરી રહી છે. દમણના જે વેપારીઓ પોલીસની આ માંગને શરણે ન થાય તે વેપારીઓને હેરાન કરવામાં આવે છે. અરજદારનું નામ FIR માં ન હોવા છતાં તેઓ સામે ખોટાં કેસ ઉભાં કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે આ કેસમાં પોલીસની તરફેણ કરી, લીકરશોપ માલિકની અરજીનો વિરોધ કરતાં અદાલતમાં જણાવ્યું: આ વિવાદ મોટાં જથ્થામાં ઝડપાયેલા દારૂનો છે. તેના મૂળ સુધી પહોંચવા અરજદારની પૂછપરછ જરૂરી છે. અને, તેથી તેની સામે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.
બંને પક્ષોની રજૂઆતો સાંભળી લીધાં બાદ, વડી અદાલતે પોતાના આદેશમાં નોંધ્યુ કે, ” હાઈકોર્ટ દ્વારા સમયાંતરે સ્પષ્ટ કરવામાં આવેલું છે કે, ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઈઓને ધ્યાનમાં લેતાં કોઈ પણ સહઆરોપીના નિવેદનના આધારે કોઈને પણ ફોજદારી ફરિયાદમાં સંડોવી શકાય નહીં. આ કેસમાં અરજદારનું નામ શરૂઆતમાં FIR માં ન હતું. પરંતુ પાછળથી સહઆરોપીના નિવેદનના આધારે તેનું નામ ઉમેરવામાં આવ્યું છે, કેમ કે તે લીકરશોપનું કાયદેસરનું લાયસન્સ દમણમાં ધરાવે છે, આ મુદ્દાને ધ્યાનમાં રાખતાં તેના વિરુદ્ધ કાર્યવાહીઓ કરવી યોગ્ય નથી. ઉક્ત તમામ સંજોગોને ધ્યાનમાં લેતાં તેની વિરુદ્ધની કાર્યવાહીઓ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. અને તેથી અરજદારની આ કવોશિંગ પિટિશન ગ્રાહ્ય રાખવામાં આવે છે અને તેની વિરુદ્ધ ઈસ્યુ કરવામાં આવેલી પ્રોસેસ તથા વોરંટને રદ્દ કરવાનો આદેશ આપવામાં આવે છે. “