Mysamachar.in-અમદાવાદ’
લોકોને મોટી બિમારીઓ સમયે એકદમ ઉપયોગી પૂરવાર થતાં આયુષ્યમાન કાર્ડની યોજનામાં ઘણાં કુંડાળાઓ ચાલે છે, ખોટાં લાભાર્થીઓની સમસ્યાઓ છે, ખોટી બિમારીઓની સારવાર થતી હોય છે અને ખાનગી હોસ્પિટલો પણ પાછલાં દરવાજે નાણું બનાવી લેતી હોય છે, ટૂંકમાં અન્ય સરકારી યોજનાઓ માફક આ યોજનામાં પણ ઘણાં પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલે છે એવું સરકારના ધ્યાન પર આવતાં હવે આ પ્રકારના ફ્રોડ રોકવા સરકારે રાજયકક્ષાએ એક ખાસ યુનિટની રચના કરવી પડી છે.
ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિયત માપદંડ ધરાવતાં પરિવારોને ઓપરેશન-પ્રોસિજર માટે વાર્ષિક રૂ. 10 લાખનું આરોગ્ય વીમાકવચ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ન સર્જાય તે માટે સરકારે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ-SAFUની રચના કરી છે. આ યુનિટ રાજયમાં વિવિધ સ્થળોએ રૂબરૂ મુલાકાત લઈ સતત મોનિટરીંગ શરૂ કરી ચૂક્ય છે.આ સાથે જ આયુષ્યમાન કાર્ડના ધારકો સાથે કોઈ પણ પ્રકારની કથિત ગેરરીતિઓ અટકાવવા સરકારે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
તમામ આયુષ્યમાન કાર્ડ પર 11 જૂલાઈ-2023થી મદદની રકમ રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરી દેવામાં આવી છે. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડની ફિઝિકલ કોપી હાજર ન હોય તો તમે હોસ્પિટલમાં આ કાર્ડનો ફોટો દેખાડીને પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ કાર્ડની મંજૂરી અને રિજેકશન રજાના દિવસે પણ થઈ શકે છે. દર્દીને રજાના દિવસે પણ હોસ્પિટલમાં સારવાર આપવાની હોય છે અને આ જાહેર રજાના દિવસોમાં કલેઈમ પણ થઈ શકે અને કલેઈમની મંજૂરી પણ આપવાની રહે છે.
રાજયમાં આ કાર્ડ કુલ 2,518 હોસ્પિટલમાં માન્ય છે અને સારવારમાં શંકાઓ સહિત કોઈ પણ મુશ્કેલીઓ હોય તો સરકારી હોસ્પિટલ, જિલ્લા પંચાયત અથવા કોર્પોરેશનની આરોગ્ય શાખાનો સંપર્ક કરવાનો રહેશે, તેઓ માર્ગદર્શન અને મદદ આપવા બંધાયેલા છે.