Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર દેશની માફક ગુજરાતમાં પણ OBC (અન્ય પછાત વર્ગ) શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમ કે, સમગ્ર વસતિનો સૌથી મોટો હિસ્સો OBC છે. અને, ગુજરાતમાં OBC આયોગ ઘણાં સમયથી વિવિધ કારણોસર ચર્ચાઓમાં છે. એમાં એક નવી વાત એ આવી છે કે, રાજ્યમાં OBC કમિશનની રચના હવે નવેસરથી કરવાની થશે, સરકારે આ માટે તૈયારીઓ કરી લીધી છે.
ગુજરાત સરકારે વડી અદાલતને જાણ કરી છે કે, સરકાર OBC કમિશનની રચના નવેસરથી કરવા ચાહે છે, આ માટે દરખાસ્ત તૈયાર છે. સરકારના વકીલે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિની બેન્ચ સમક્ષ કહ્યું છે કે, સરકાર આ આયોગની રચના નવેસરથી કરવા તૈયાર છે કેમ કે, આયોગનું વર્તમાન સ્વરૂપ સુપ્રિમ કોર્ટના જેતે સમયના હુકમની સાથે અનુરૂપ નથી. આ માટે વકીલે અદાલતને વિનંતી કરી,આયોગની ફેરરચના માટે અમુક સમયની માંગ કરી છે.
સરકારની આ રજૂઆત અદાલતમાં શા માટે આવી, તે સમજવા જેવું છે. ગત્ 20મી નવેમ્બરે વડી અદાલતે સરકાર પાસેથી આ આયોગની વર્તમાન સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો, અને અદાલતે આ આયોગ કામ કરી શકે એવી સંભાવનાઓ કેટલી છે, એ જાણવા સરકારને કેટલાંક પ્રશ્નો કર્યા હતાં. આ ઉપરાંત રાજયમાં પછાત વર્ગોની સ્થિતિની આકારણી અને સમીક્ષા નેશનલ બેકવર્ડ કમિશન હાલના સંજોગોમાં કરી શકે એમ છે કે કેમ ? તે અંગે પણ વડી અદાલતે ગુજરાત સરકારને કેટલાંક પ્રશ્નો પૂછ્યા હતાં, ત્યારબાદ સરકારે પોતાનો ઉપરોકત જવાબ વડી અદાલત સમક્ષ દાખલ કર્યો.
વિસનગરના ઉમિયા પરિવાર દ્વારા વડી અદાલતમાં જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવેલી, અને આ અરજીમાં એવી માંગ કરવામાં આવેલી કે, રાજયમાં વર્તમાન કાયદા અંતર્ગત કાયમી OBC આયોગની રચના કરવામાં આવે, ત્યારબાદ આ આખો ઘટનાક્રમ વડી અદાલતમાં સપાટી પર આવ્યો.
આ અરજીમાં કહેવાયું હતું કે, વર્તમાન આયોગ માત્ર ચેરમેનથી ચાલે છે. અદાલતે સરકારને એ સમયે એમ પણ પૂછેલું કે, આ માટેની નિષ્ણાંતોની કમિટી ક્યાં.? આ અરજીમાં અરજદારે એમ પણ કહેલું કે, નિયત સમયે સરકારે જ્ઞાતિઓની યાદી રિવાઈઝ કરવી પડે, જે કામ હાલ થતું નથી. આ મામલો વધુ સાંભળવા અદાલતે ઈન્કાર કરી કહ્યું કે, વધુ સુનાવણીઓ જાન્યુઆરીમાં કરવામાં આવશે.