Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કે કંપની પર આવકવેરાતંત્ર દરોડા પાડે છે ત્યારે તેઓ સૌને ભયમાં મૂકી દે છે, કેટલાંક અધિકારીઓ દાદાગીરી પણ કરતાં હોય છે, આવા અધિકારીઓને ગુજરાતની વડી અદાલતે લાલ ઝંડી દેખાડી છે અને કહ્યું છે કે, દરોડા પાડતી વખતે તંત્ર પાસે માત્ર સ્થળતપાસનું જ વોરંટ હોય છે, તંત્રએ સંબંધિત વ્યક્તિની ‘બંદૂકની અણી’એ ધરપકડ ન કરી લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી વડી અદાલતમાં આ કાનૂની જંગ ખેલાઇ રહ્યો છે. અમદાવાદમાં અવિરત ગ્રુપ અને શ્રી પરમ ગ્રુપ પર આવકવેરાતંત્રએ ગત્ ત્રીજી નવેમ્બરે દરોડા પાડયા હતાં ત્યારથી તંત્ર અને પાર્ટી વચ્ચે હાઈકોર્ટમાં આ જંગ ખેલાઇ રહ્યો છે. જેમાં સરકારી વકીલો અને કરદાતાના વકીલ વચ્ચે લાંબી અને ઉગ્ર દલીલો ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ દરોડા દરમિયાન અધિકારીઓ હિમા પટેલ નામના એક મહિલા વકીલને બંદૂકની અણીએ અન્ય એક વકીલની ઓફિસે લઈ ગયા હતાં, ત્યારથી આ મામલામાં વળાંક આવ્યો છે. કરદાતાના વકીલે એવી દલીલ કરી હતી કે, મારાં અસીલ પોતાના અન્ય ક્લાયન્ટ સાથે જે ધંધાકીય સંબંધો ધરાવે છે તે સંબંધોની પ્રાઈવસી જાળવવી જોઈએ. બીજી તરફ સરકારી વકીલે અધિકારીઓનો બચાવ કરતાં દલીલ કરી કે, જો આ કેસમાં અધિકારીઓના પગલાંને ખોટાં ઠેરવવાનો પ્રયાસ થશે તો અધિકારીઓનું મોરલ તૂટી જશે.