Mysamachar.in-અમદાવાદ:
સમાજમાં ઘણાં પ્રકારના પારિવારીક ઝઘડાઓ ચાલતાં હોય છે. અને ઘણી બબાલોમાં પુત્ર અથવા વહુ સાવ છેલ્લે પાટલે બેસી જતાં હોય છે અને ઘરડાં માબાપોની જિંદગી ઝેર કરી નાંખતા હોય છે. આવો વધુ એક કિસ્સો જાહેર થયો છે. પત્ની સાથે મળીને એક કપાતર પુત્ર પોતાના પિતાને ખૂબ જ પરેશાન કરતો હતો, વડી અદાલતે આ શખ્સને પાઠ ભણાવી દીધો છે.
આ શખ્સ પોતાની પત્ની મારફતે પોતાના પિતા વિરુદ્ધ ઘરેલુ હિંસાના કેસ કરાવતો હતો અને ઘરડાં બાપને અદાલતોમાં ધક્કા ખાવા મજબૂર કરતો હતો. આખરે આ કેસ એવા તબક્કે પહોંચી ગયો કે, વડી અદાલતે આ પુત્ર પર ખફા થઈ તેને કાયમ માટે પિતાનું ઘર છોડવા આદેશ કર્યો છે. આ મામલાએ અમદાવાદના મણિપુર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.
આ મામલામાં મહિલાઓ તરફી ઘરેલુ કાયદાનો દુરુપયોગ ખુલ્લો પડી ગયો. અને, 96 વર્ષના આ બિચારાં વૃદ્ધને આ ઉમરે હવે રાહત મળી. આ સિનિયર સિટીઝન દંપતિએ 2019માં પોતાના દીકરા તથા વહુના ગેરવર્તન મુદ્દે ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરેલી. 4 વર્ષ બાદ આ કેસનો હાઈકોર્ટમાં નિવેડો આવ્યો.
ટ્રિબ્યુનલમાં દીકરા અને વહુનો પરાજય થયા બાદ, પતિના કહેવાથી પત્નીએ પોતાના સસરા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આ કેસ દાખલ કરેલો જેમાં પણ વૃદ્ધ તરફે નિર્ણય જાહેર થયો અને ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ કરનાર આ વહુ તથા તેના પતિને હાર સહન કરવી પડી છે અને આ વૃદ્ધ અદાલતના ચક્કર કાપવામાંથી મુક્ત થયા છે.