Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં હજારો અકસ્માત થતાં રહે છે. સેંકડો લોકોના આ અકસ્માતોમાં મોત થતાં રહે છે. અને હજારો લોકો કાયમી રીતે અપંગ બની જતાં હોય છે અથવા કોઈ પ્રકારની કાયમી ખોડખાંપણનો ભોગ બનતાં હોય છે. અકસ્માત વળતરના હજારો કેસ અદાલતોમાં ચાલતાં રહે છે. લોકો ઝડપથી વળતર મેળવવા તલપાપડ હોય છે પરંતુ કાગળોની કાર્યવાહીઓ અને તેમાં થતાં વિલંબ માણસને થકવી નાંખતા હોય છે. આ પ્રકારના મામલાઓમાં હવે વડી અદાલતે સરકારને કાનૂની ભીંસમાં લીધી છે એવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ બાબતે હવે ઝડપથી કામો નિપટાવવા પડશે. આ મામલાઓમાં તેઓની જવાબદારીઓ હવે ચર્ચાઓમાં આવી છે.
હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીઓ પરથી સમજાઈ રહ્યું છે કે, અદાલત સરકાર પાસેથી એ જાણવા ઈચ્છે છે કે, અકસ્માત વળતરના જે કેસ મોટર વાહન ટ્રિબ્યુનલ સમક્ષ ચાલતાં હોય તે કેસ આગળ વધારવા સરકારે રાજ્યના તમામ પોલીસમથકોમાં આ મુદ્દે અલગથી વિભાગ અથવા સેલ રાખ્યું છે કે કેમ.?
મોટર વ્હીકલ એકટની કલમ 159 કહે છે કે, દરેક પોલીસમથકમાં એક એવો વિભાગ હોવો જોઈએ જે અકસ્માત વળતર દાવાઓના નિકાલ માટે ટ્રિબ્યુનલ સાથે વ્યવહાર કરે, અને તે માટે સ્થાનિક પોલીસ અધિકારીએ સંબંધિત અકસ્માત અંગે અકસ્માત વિષેની તમામ માહિતીઓ આપતો રિપોર્ટ તૈયાર કરી મોટર વાહન ટ્રિબ્યુનલ સમક્ષ પેશ કરવો જોઈએ. એક એડવોકેટ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે તે અનુસંધાને અદાલતે સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે.
અરજદાર વકીલે અદાલતમાં એમ પણ કહ્યું છે કે, આ પ્રકારના વળતર દાવાઓના નિપટારા માટે દરેક પોલીસમથકમાં અલગ યુનિટ રાખવા સંબંધે સુપ્રિમ કોર્ટે તમામ રાજયોની સરકારોને 2022માં નિર્દેશ આપેલો છે જ. જે અનુસંધાને વડી અદાલત રાજ્ય સરકારને આ બાબતે નિર્દેશ આપે એવું આ અરજદાર ઈચ્છે છે.
આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે એમ કહ્યું કે, મોટર વ્હીકલ એકટની કલમ 159 ના અમલ માટે ટ્રિબ્યુનલ જવાબદાર નથી. કલમ કહે છે, સંબંધિત પોલીસ અધિકારીએ અકસ્માત પછીના 48 કલાકમાં તે અંગેનો રિપોર્ટ અકસ્માત વળતર ટ્રિબ્યુનલને સોંપવો જોઈએ. ટ્રિબ્યુનલ કહે છે, આ પ્રકારનું રિપોર્ટિંગ પોલીસ અધિકારીઓ દ્વારા થતું નથી.
આ સુનાવણી દરમિયાન વડી અદાલતે સરકારને કહ્યું કે, દરેક પોલીસમથકમાં અથવા ટાઉન લેવલે આ પ્રકારના યુનિટની રચના કરવામાં આવે અને મોટર વ્હીકલ એકટની જાણકારીઓ તથા તાલીમ ધરાવતાં પોલીસ અધિકારીને તેની જવાબદારીઓ સોંપવામાં આવે અને આ મુદ્દે સરકાર 15 ડિસેમ્બર પહેલાં આ અંગેની જાણકારીઓ વડી અદાલત સમક્ષ દાખલ કરે. હાઈકોર્ટે રાજયના મુખ્ય સચિવ તથા રાજયના પોલીસવડાને આ જવાબદારીઓ સોંપવા સરકારને કહ્યું છે.