Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં મહિલાઓની સલામતી મુદ્દે પુષ્કળ પ્રચાર થતો રહે છે, બીજી તરફ મહિલાઓની છેડતીના નોંધાયેલા કિસ્સાઓ ખુદ મોટો આંકડો છે. સામાજિક શરમના કારણે પોલીસમથક સુધી ન પહોંચતા કિસ્સાઓની સંખ્યા પણ નાની તો નહીં જ હોય !! અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં મહિલાઓની છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે. આરોપીઓ જો કે ઝડપાઈ પણ જાય છે પરંતુ છેડતીના કિસ્સાઓની સંખ્યા કહી જાય છે કે, ખાસ કરીને મોટાં શહેરોમાં આ પ્રકારના તત્વો પર કાયદાના તંત્રની ધાક નથી. જો કે સાથેસાથે જાણકારોનું માનવું એવું પણ છે કે, ઘણાં કિસ્સાઓમાં બદલાની ભાવનાથી છેડતીની ખોટી ફરિયાદો પણ થતી રહેતી હોય છે.
સમગ્ર રાજયની રેકર્ડ પરની હકીકત એ છે કે, 2020-21માં રાજયમાં છેડતીના કિસ્સાઓની સંખ્યા 1,095 રહી અને વર્ષ 2021-22 માં આ સંખ્યા વધીને 1,181 થઈ. એટલે કે આ પ્રકારની ફરિયાદોમાં 7 ટકાનો ઉછાળો નોંધાયો. વર્ષ 2022-23 માં છેડતીની ફરિયાદોની સંખ્યા 1,239 ના આંકડે પહોંચી ગઈ !! મોટાં શહેરો ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરામાં આ પ્રકારના બનાવો સતત વધતાં રહે છે. આદિવાસી વિસ્તારોમાં આવી ફરિયાદો સાવ ઓછી હોય છે. ખાસ કરીને અમદાવાદ શહેર આ બાબતે જરાય સલામત નથી ! રાજયના આર્થિક પાટનગરમાં મહિલાઓ સલામત ન હોય તેવું ચિત્ર આ ફરિયાદો પરથી ઉપસી રહ્યું છે.
આ પ્રકારની ફરિયાદોમાં બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે વડોદરા છે. સાથે-સાથે નવાઈની વાત એ પણ છે કે, છેડતીની ફરિયાદો આરોપીઓના નામજોગ હોવા છતાં ઘણાં કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ ન થઈ હોય, એવું રેકર્ડ પર જોવા મળે છે. આ ઉપરાંત સામાજિક છોછના કારણે ઘણી મહિલાઓ છેડતીની ફરિયાદો નોંધાવવાનું પણ ટાળતી હોય છે, આ પ્રકારના આરોપીઓની સાન કોણ, કેવી રીતે ઠેકાણે લાવી શકે ?! એ પણ પ્રશ્ન છે.