Mysamachar.in-અમદાવાદ:
એક તરફ એવો પ્રચાર થતો રહે છે કે તંત્રો ખૂબ જ વાઈબ્રન્ટ છે, અને ડિજિટલ યુગને કારણે મોટાભાગના કામો ઓનલાઈન નિપટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ એક કેસમાં FSLનો રિપોર્ટ 3-3 વર્ષ સુધી રેકર્ડ પર ન આવતાં રાજયની વડી અદાલત ગૃહ વિભાગ પર ધગી ગઈ છે અને ઉચ્ચ અધિકારીને આકરી સૂચનાઓ આપી છે. આ મામલામાં સરકારની ગતિશીલતા અને કામ કરવાની પદ્ધતિ- બંને જાહેર થઈ ગયા છે.
અમદાવાદમાં મુકેશ ગુર્જર નામના એક ફરિયાદીએ વર્ષ 2020માં એક FIR દાખલ કરાવી હતી. આ ફરિયાદમાં એમ કહેવાયું છે કે, અજય પ્રજાપતિ નામના એક શખ્સે બનાવટી સહીના આધારે ફરિયાદીની એક પ્રોપર્ટી પચાવી પાડી છે. આ કેસમાં આરોપીએ ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી. ફરિયાદીના વકીલે આ પિટિશન સામે એવો વાંધો ઉઠાવ્યો કે, FSL દ્વારા આ કેસમાં સહી બનાવટી છે કે કેમ ? તે અંગેનો હસ્તાક્ષર નિષ્ણાંતનો રિપોર્ટ 3 વર્ષથી આપવામાં આવ્યો નથી તેથી આરોપી વિરુદ્ધની ફરિયાદ રદ્દ ન થઈ શકે.
આ કેસની સુનાવણી વખતે હાઈકોર્ટ ગૃહ વિભાગ પર ખૂબ જ ખફા થઈ અને વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મુકેશ પુરીને કહ્યું કે, આ કેસમાં FSL રિપોર્ટનો વિલંબ ગૃહ વિભાગે અદાલતને સમજાવવાનો રહેશે. એમ ગૃહ વિભાગનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આ કેસમાં અગાઉ હાઈકોર્ટે ગૃહ વિભાગને એવી સૂચના આપી હતી કે, આ મુદ્દે FSLના વડા અને રાજયના પોલીસ વડા સાથે ગૃહ વિભાગના આ અધિકારીએ બેઠક કરી લેવી જોઈએ. આમ છતાં આ અધિકારીએ આ બેઠક કરી નથી !! આથી હાઈકોર્ટે આ અધિકારીને આકરો ઠપકો આપ્યો.
બાદમાં વડી અદાલતે કહ્યું કે, આ કેસ અને આના જેવા અન્ય કેસો કે જેમાં FSL રિપોર્ટને કારણે કાર્યવાહીઓ કરવામાં વિલંબ થતો હોય તે સમગ્ર વિષયને ગૃહ વિભાગે ગંભીરતાથી લેવો જોઈએ. અદાલતે ત્યાં સુધી કહ્યું કે, તમારાં સહિત કોઈ પણ અધિકારી કાયદાથી ઉપર નથી. અને સમસ્યા નિવારવા માટેની જે નિર્ણય પ્રક્રિયા છે તેમાં વિલંબ થાય એ પ્રકારનું વલણ આ કેસમાં આ અધિકારીએ લીધું હોવાનું દેખાઈ રહ્યું છે. જે ચલાવી લેવાય નહીં. આ અધિકારીએ અદાલતની સૂચના છતાં બેઠક કરી નથી. જસ્ટિસ સંદિપ ભટ્ટે આ કેસમાં એમ પણ કહ્યું કે, ઉચ્ચ અધિકારી મુકેશ પુરીએ અદાલતને લેખિતમાં સમજાવવું પડશે કે, બેઠક કરવા અંગે અદાલતે આપેલી સૂચનાનું તેઓએ પાલન શા માટે ન કર્યું ?!