Mysamachar.in-અમદાવાદ:
વીમાની રૂ. 80 લાખની રકમ જિવતાં જ મેળવી લેવા એક શખ્સે, એક ભિક્ષુકને સળગાવી નાંખી 17 વર્ષ અગાઉ એક ખેલ પાડ્યો હતો પરંતુ એક મહત્ત્વની બાતમી પોલીસ સુધી પહોંચી જતાં આખરે આ શખ્સ અમદાવાદ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે. આ શખ્સ આટલાં વર્ષથી બનાવટી નામ ધારણ કરીને અમદાવાદ ખાતે વસવાટ કરતો હતો, આ શખ્સ મૂળ ઉત્તરપ્રદેશનો છે.
આ શખ્સનું ખરું નામ અનિલસિંઘ મલેક (39) છે અને તે રાજકુમાર ચૌધરી નામ ધારણ કરી, અમદાવાદમાં રહે છે. તેણે તથા તેના પરિવારજનોએ મૃત્યુ વીમાની રકમ પકાવવા 17 વર્ષ અગાઉ જે ખેલ કર્યો હતો તે ખેલ જાહેર થઈ ગયો. આ શખ્સની પત્ની અને તેના બે બાળકો પણ આ રાઝ અત્યાર સુધી જાણતાં ન હતાં. કારણ કે, આ ગુનો આચરી લીધાં પછી તેણે મેરેજ કરેલાં. 2004માં આ ખેલ પાડવા તેણે પોતાના પિતા અને ભાઈની મદદ લઈ એક કાર અને LICની જિવન મિત્ર પોલિસી ખરીદી હતી. 20 લાખ રૂપિયાની આ પોલિસીમાં એવી જોગવાઈઓ હતી કે, અકસ્માત મોતના કેસમાં મૃતકના વારસદારોને પોલિસીની રકમ કરતાં 4 ગણી રકમ મળે.
2006માં આ શખ્સે બે સાગરિતની મદદથી એક ભિક્ષુકને હોટેલમાં સારાં કપડાં પહેરાવી, ખવડાવી-પિવડાવી કારમાં બેસાડયો. બાદમાં કારને ઈલેક્ટ્રીક થાંભલા સાથે ટકરાવી. ત્યારબાદ ભિક્ષુકને ડ્રાઇવર સીટ પર બેસાડી દઇ, કારમાં અકસ્માતને કારણે આગ લાગી તેવું દર્શાવવા, ભિક્ષુક પર તથા કારમાં પેટ્રોલ છાંટી ભિક્ષુકને સળગાવી નાંખ્યો. જેથી મૃતદેહની ઓળખ ન થઈ શકે.
જેતે સમયે ઉત્તરપ્રદેશના આગ્રા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ દાખલ થઈ અને અનિલસિંઘ નામનો આ શખ્સ અકસ્માત-આગમાં મૃત્યુ પામ્યો છે એવું જાહેર થયું અને ભિક્ષુકના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરી નાંખવામાં આવ્યા. પરિવારે LICમાંથી 80 લાખ અને કાર વીમાના 4 લાખ મળી કુલ રૂપિયા 84 લાખની રકમ ગજવામાં ઘાલી લીધી. બાદમાં આ શખ્સ ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવતો રહ્યો અને રિક્ષાચાલક રાજકુમાર ચૌધરી તરીકે તેણે નિકોલ વિસ્તારમાં ભાડાંના મકાનમાં નવી જિંદગી શરૂ કરી દીધી. તેની પાસે પોતે રાજકુમાર ચૌધરી છે એવું આધારકાર્ડ, PANકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ પણ છે. બાદમાં તેને એક યુવતી સાથે પ્રેમ થયો. લગ્ન કર્યા. બે બાળકીનો પિતા છે અને હાલ ટેકસી ચલાવે છે.
થોડા સમય પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી કે, રાજકુમાર ચૌધરી અનિલસિંઘ મલેક છે. અને તે બે વખત તેના પિતાની મુલાકાત કરી ચૂક્યો છે. અને આ પિતાપુત્રને એક વ્યક્તિએ સાથે જોયા છે. આ વ્યક્તિએ પોલીસને આ બાતમી પહોંચાડી. આ વ્યક્તિના પરિવાર સાથે દાયકાઓ અગાઉ આ અનિલસિંઘના પરિવારને જમીન બાબતે ડખ્ખો થયેલો એવું પણ જાહેર થયું. પોલીસે આ વ્યક્તિના નિવેદનના આધારે અનિલસિંઘ મલેક ઉર્ફે રાજકુમારની ધરપકડ કરી લીધી છે. આ પ્રકારના અન્ય ત્રણ કેસ અગાઉ જાહેર થયાં છે. જેમાં વીમાની રકમ 1 કરોડ, 4 કરોડ અને 7 કરોડ હતી. આવો છેલ્લો નોંધાયેલો કેસ 2019નો છે.