Mysamachar.in-અમદાવાદ:
તાજેતરમાં એક ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં એક એવો કેસ આવેલો જેમાં અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ રજિસ્ટર્ડ થઈ ન હતી છતાં ભોગ બનનાર પરિવારને વીમારકમનો લાભ આપવાનો ફોરમે હુકમ કર્યો છે. આ મામલો વડોદરા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં નોંધાયો છે. અમદાવાદમાં સાત વર્ષ પહેલાં એક યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયા બાદ મૃતકના માતાએ આ કેસ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં દાખલ કર્યો હતો. મૃતક યુવાન LICની અકસ્માત મોતની બેવડા લાભની પોલિસી ધરાવતો હતો. આ યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયું હતું. પરંતુ પોલીસે અકસ્માત કેસ દાખલ કર્યો ન હતો. મોત છતાં અકસ્માતનું પંચનામું પણ થયું ન હતું.
LICએ આ કેસમાં મૃતકના પરિવારને 1.38 લાખની રકમ ચૂકવી હતી પરંતુ આ કેસમાં પોલીસ ફરિયાદ ન હોવાથી LIC એ વીમાની અન્ય રકમ રૂપિયા 1.25 લાખ ચૂકવવા ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ 2019માં મૃતકના માતાએ આ મામલો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં દાખલ કર્યો. તકરાર નિવારણ ફોરમે નોંધ કરી કે, મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયું છે. અને શાહીબાગ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દ્વારા આ બોડીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ કાર્યવાહીઓ પોલીસ મારફતે થઈ હતી.
ફોરમે કહ્યું: બનાવનું પંચનામું કરવું અને પોલીસ ફરિયાદ રજિસ્ટર્ડ કરવી એ પોલીસની ફરજ છે, આ કેસના ફરિયાદીએ આ કેસમાં કોઈ બેદરકારીઓ દાખવી નથી. તકરાર નિવારણ ફોરમે આમ ઠરાવી LICને હુકમ કર્યો કે, ફરિયાદીને 9 ટકા વ્યાજ સાથે ઉપરોકત બાકી રહેતી રકમ ચૂકવી આપવામાં આવે. આ ઉપરાંત એવો પણ હુકમ કરવામાં આવ્યો કે, ફરિયાદીને માનસિક ત્રાસ બદલ રૂપિયા 3,000 નું વળતર અને અરજી સહિતની પ્રોસેસ પેટે અન્ય રૂપિયા 3,000ની રકમ પણ ચૂકવવામાં આવે.