Mysamachar.in-અમદાવાદ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સમગ્ર રાજયના લાખ્ખો યુવાનો પોતાની આંખોમાં સરકારી નોકરીના સપનાઓ ધરાવતા હોય છે. પરંતુ પેપર લીક સહિતની બાબતોને કારણે આ લાખ્ખો યુવક યુવતીઓની મહેનત પર પાણી ફરી વળતું હોય, વડી અદાલતે આ મામલે ખૂબ જ ગંભીરતાથી સરકારને એક અર્થમાં ચીમકી આપી છે. સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ મુદ્દે વડી અદાલતે કડક રુખ અખત્યાર કર્યો છે. વડી અદાલતે કહ્યું, કેટલાંક સાજિષ રચનારા તત્વોને કારણે લાખ્ખો યુવાઓ હેરાન થઈ રહ્યા છે, તે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આ બાબતમાં કોઈ પણ ચૂક કે ભૂલ- ચાલે જ નહીં.
2014માં સરકારે ક્લાર્કની ભરતીઓ માટે પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓનો કેસ (આજે પણ !!) હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં અદાલતે આ કડક વલણ અખત્યાર કર્યું છે. આ કેસના આરોપીઓને જામીન આપવા મુદ્દે થયેલી કાર્યવાહીઓ દરમિયાન અદાલતે આ નારાજગી વ્યક્ત કરી. આ ઉપરાંત અન્ય ટકોર પણ કરી છે.
વડી અદાલતે કહ્યું: લાખ્ખો યુવક યુવતીઓ રાતદિવસ મહેનત કરી સરકારી ભરતીઓની પરીક્ષાઓ આપતાં હોય છે. તેઓએ હજારો સપનાઓ સેવેલાં હોય છે. લાખ્ખો પરિવારો તેઓ પર આધારિત હોય છે. કેટલાંક અસામાજિક તત્વોને કારણે લાખ્ખો યુવાઓને હેરાન થવું પડે છે. આ કેસના એક આરોપીને આઠ વર્ષથી પકડી શકાયો નથી, તેની આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં આવી. ત્યારે અદાલતે આ ટકોર કરી હતી. અને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.અદાલતે એમ પણ કહ્યું કે, કેટલાંક આરોપીઓની ચાલાકીને કારણે પરીક્ષાઓના પેપર ફૂટી જાય અને ભરતી પ્રક્રિયાઓ ઘોંચમાં પડે છે ત્યારે લાખ્ખો યુવાઓના ભવિષ્ય ઉદય થતાં પહેલાં અસ્ત થઈ જતાં હોય છે.