Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજય અને દેશમાં હાલ ક્રિકેટ વર્લ્ડ કપ નાં કારણે ક્રિકેટની ધૂમ ચર્ચાઓ થઈ રહી છે. ધૂમ જૂગાર પણ રમાઈ રહ્યો છે. કેસ પણ દાખલ થઈ રહ્યા છે. એવા સમયે, રાજયની વડી અદાલતમાં પણ ક્રિકેટની ચર્ચાઓ છે!! જો કે આ ચર્ચાઓ અલગ રીતે થઈ રહી છે. હાઈકોર્ટમાં ઓનલાઈન ક્રિકેટ અને ફૂટબોલ ગેમિંગ ચર્ચાઓમાં છે. ક્રિકેટ અને ફૂટબોલ લોકપ્રિય રમતો હોવાથી ઘણી કંપનીઓ શોખિનોને આ રમતોના ઓનલાઈન પોર્ટલ પણ આપે છે. જેમાં રમતો રમાઈ રહી છે. બીજી બાજુ આ ઓનલાઈન ગેમિંગ પર સરકાર GST વસૂલવા ઈચ્છે છે. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે આ અનુસંધાને GST સત્તાવાળાઓ અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી જવાબ માંગ્યો છે.
આ કેસમાં અગાઉ બન્યું હતું એવું કે, GST સત્તાવાળાઓએ આ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ટેક્સ માટે શો-કોઝ નોટિસ મોકલાવી હતી. કંપનીઓએ જુદી જુદી પિટિશન દાખલ કરી, GSTની નોટિસને કાનૂની પડકાર આપ્યો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. વડી અદાલતે બંને પક્ષોની રજૂઆત સાંભળી એવી નોંધ કરી કે, આ અરજદારો દ્વારા રમાડવામાં આવતી ઓનલાઈન ક્રિકેટ ગેમિંગ સટ્ટાબાજી-જૂગાર છે કે કેમ ? એ મુદ્દો વ્યાપક વિચાર માંગી લે તેવો છે.
વડી અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર અને GST ને નોટિસ પાઠવી છે અને અરજદાર કંપનીઓને હાલ રાહત આપી છે. શો-કોઝ નોટિસ સંદર્ભમાં હાલ GST વિભાગ કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ કરી શકશે નહીં. કંપનીઓ આ નોટિસનો જવાબ આપવા ઈચ્છે તો આપી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યારે પણ કોઈ વાસ્તવિક ક્રિકેટ કે ફૂટબોલ મેચ રમાતો હોય ત્યારે, આ કંપનીઓ ઓનલાઈન પોર્ટલ પર ફેન્ટસી ક્રિકેટ અથવા ફૂટબોલ મેચ રમાડતી હોય છે. એકસાથે 10-15 લોકો આવી ફેન્ટસી મેચ રમતાં હોય છે. આ તમામ 10-15 લોકો આ મેચમાં એકમેકના હરીફ હોય છે. ફેન્ટસી ટીમના ખેલાડીઓ વાસ્તવિક મેચમાં જે પર્ફોમન્સ નોંધાવે તેના આધારે ફેન્ટસી મેચમાં પોઈન્ટસ નક્કી થાય. આ આખી ગેમિંગમાં કંપનીઓ અને ગેઈમ રમનાર વચ્ચે નાણાંની જે લેતીદેતી થતી હોય છે તેમાં કેવા પ્રકારની રકમ પર GST ટેક્સ લાગે ? અને કેવા પ્રકારની રકમ GST ફ્રી હોય છે ?! આ મુદ્દે હાલ હાઈકોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો છે.