Mysamachar.in-અમદાવાદ:
પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાઓ સમાજમાં બહુ ચર્ચાઓ જગાવે છે. આ પ્રકારના મામલાઓમાં મહિલાઓના મોતને કારણે મામલાઓ વધુ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ બની જતાં હોય છે. આ પ્રકારના એક મામલામાં પતિને સજા થઈ હતી પરંતુ હાઈકોર્ટે સજાનો આ હુકમ રદ્દ કર્યો છે. જેને કારણે આ કેસ ચકચારી બન્યો છે. ગોધરાની એક ટ્રાયલ કોર્ટ સમક્ષ એક કેસ આવેલો. કેસમાં જે તે સમયે એવું જાહેર થયું હતું કે, એક યુવતીના લગ્ન બાદ બે વર્ષ પછી આ મહિલાનું પતિના મારને કારણે મોત થયેલું. આ મહિલા મૃત્યુ પામી એના બે કલાક પહેલાં, તેણીના પતિએ પોતાની પત્નીને બાંધીને માર માર્યો હતો. એ પ્રકારના નિવેદનો પાડોશીઓએ અને આ દંપતિને ઘરે કામ કરતી કામવાળીએ ટ્રાયલ કોર્ટ સમક્ષ આપ્યા હતાં. ટ્રાયલ કોર્ટમાં આ પતિને 13 વર્ષની સજાનો હુકમ થયો હતો. પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 અને 498 હેઠળ કેસ ચાલ્યો હતો.
પતિએ સેશન્સ કોર્ટના આ હુકમને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ટ્રાયલ કોર્ટે પત્નીના માત્ર મરણોન્મુખ નિવેદન (ડાઈંગ ડેકલેરેશન)ના આધારે સજાનો હુકમ કર્યો છે. પતિ પક્ષ દ્વારા થયેલી દલીલો ટ્રાયલ કોર્ટે રેકર્ડ પર લીધી ન હતી. આ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ રદ્દ કરી પતિને છોડવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે આ ચુકાદામાં જણાવ્યું છે કે, મેજિસ્ટ્રેટ જ્યારે મરણપથારીએ પડેલી મહિલાનું મરણોન્મુખ નિવેદન લેતાં હતાં ત્યારે આ પત્નીના સગાઓ રુમમાં હાજર હતાં. તેઓને અનેક વખત બહાર જવાનું કહેવામાં આવ્યું છતાં તેઓ બહાર ગયા ન હતાં.
પત્નીના આ મરણોન્મુખ નિવેદનના વીડિયોમાં જણાય છે કે, પત્ની જ્યારે આ નિવેદન લખાવતી હતી ત્યારે પત્નીના સગાંઓ વચ્ચે વચ્ચે બોલતાં હતાં. કાયદો એમ કહે છે કે, આ મરણોન્મુખ નિવેદન લેતી વખતે મેજિસ્ટ્રેટ, નિવેદન લખનાર રાઈટર અને ભોગ બનનાર- એમ કુલ ત્રણ જ વ્યક્તિ એ રુમમાં હાજર રહી શકે. અદાલતે આ ચુકાદામાં વધુમાં એમ કહ્યું કે, આ નિવેદન સમયે મેજિસ્ટ્રેટ દ્વારા, ભોગ બનનારના સગાઓને બહાર જતાં રહેવાનું કહેવા છતાં સગાંઓ બહાર ગયા ન હતાં આથી આ મરણોન્મુખ નિવેદનને મુખ્ય પુરાવો માની શકાય નહીં.