Mysamachar.in-અમદાવાદ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં અકસ્માત જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે ! લોકોમાં, તંત્રોમાં કે સરકારમાં કયાંય પણ આ ગંભીર બાબત અંગે ચિંતાઓ થતી જોવા મળતી નથી ! જે એક અચરજ છે. કોઈ પણ પ્રકારના રોગથી રાજયમાં વર્ષ દરમિયાન 200-500 લોકો મોત પામે ત્યારે સૌ દેકારો કરતાં હોય છે, જ્યારે અકસ્માત મોત હજારોમાં થતાં હોવા છતાં સૌ મૌન !!
રાજયમાં વધતાં જતાં અકસ્માત અને તેના કારણે નીપજતાં મોત ગંભીર ચિંતાનો વિષય બનતો જાય છે. રાજયના માર્ગો પર દર 24 કલાકે 43 અકસ્માત નોંધાયા છે અને દર 24 કલાકે 21 લોકોના મોત થાય છે. ગત્ વર્ષે માર્ગ અકસ્માતોમાં કુલ 7,618 લોકોના મોત થયા, જે પૈકી 7,236 મોત વાહનોની વધુ પડતી ઝડપને કારણે થયાનું બહાર આવ્યું છે. આમ છતાં શહેરોમાં અને હાઈવે પર બેફામ ગતિએ દોડતાં વાહનો પર કોઈનો અંકુશ નથી.
અકસ્માતોના આંકડા જણાવે છે કે, સવારે 9 થી રાત્રે 9 દરમિયાન અકસ્માત વધુ થાય છે. અને આ અકસ્માતોમાં વધુ સંખ્યામાં મોત નોંધાયા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022નો અકસ્માતોનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ દરમિયાન કુલ 15,751 અકસ્માત નોંધાયા. ઘણાં અકસ્માતોની નોંધ પણ થતી હોતી નથી !!
છેલ્લા બે વર્ષ દરમિયાન અકસ્માતોની સંખ્યા વધી છે અને અકસ્માત મોતના આંકડામાં ઘટાડો જોવા મળતો નથી. હજારો લોકોનો દર વર્ષે ભોગ લેવાઈ રહ્યો છે. આ અકસ્માતોમાં પગે ચાલીને જતાં 1,568 લોકોના વાહનોની હડફેટે મોત થયા છે. અને, 161 સાયકલચાલકોના મોત વાહનની ટક્કરને કારણે થયા છે.
એક જ વર્ષમાં રાજયમાં હીટ એન્ડ રનની 2,209 ઘટનાઑ રેકર્ડ પર આવી. જેમાં 1,429 લોકોના મોત થયા. અકસ્માતમાં 25 થી 35 વર્ષની વયના લોકોના મોતની સંખ્યા સૌથી વધુ છે. એ જ રીતે 18 થી 25 વર્ષની વયના લોકોના મોતની સંખ્યા પણ મોટી છે. 2022માં જે અકસ્માત મોત નોંધાયા તે પૈકી મોટાભાગના લોકોના મોત ઘટનાસ્થળે જ થયા, જેનો એક અર્થ એવો થાય કે- અકસ્માતો પૈકી મોટાભાગના અકસ્માત ઘાતક હોય છે, કારણ કે વાહનો વધુ પડતી ગતિ ધરાવતાં હોય છે.
જામનગર સહિત સમગ્ર રાજયમાં માર્ગ સલામતી સપ્તાહોની ઉજવણીઓ થતી રહે છે, શાળાઓ અને કોલેજોમાં RTO, પોલીસ તથા NGO દ્વારા જાગૃતિ કાર્યક્રમો ચાલતાં રહે છે, તેનાથી વરવી પરિસ્થિતિમાં કયાંય કોઈ ફરક પડયો નથી ! કેમ કે, શહેરોમાં- ગ્રામ્ય વિસ્તારોમાં કે હાઈવે પર વાહનવ્યવહાર બાબતે જંગલરાજ છે !! પોલીસ અને RTO બેદરકારીઓ દાખવે છે, માત્ર ચેકિંગ નાટકો કરી દંડ વસૂલે છે અથવા તોડ કરે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાહનચાલકો પોતાને કાયદાઓથી ઉપર માને છે, જેઓની સાન ઠેકાણે લાવવા સરકાર તરફથી કશું જ થતું નથી. આવા તત્વોને કારણે અકસ્માતોમાં હજારો નિર્દોષ માનવીઓના મોત થાય છે !! આ પ્રકારના તત્વો અકસ્માતોમાં બચી જાય પછી, તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ થતી નથી, તંત્ર સેટિંગ કરે છે, જેને કારણે આવા તત્વો બેફામ છે કેમ કે તેઓને કાયદાનો ડર નથી. કાયદાઓની પક્કડમાંથી બચી જવું સૌરાષ્ટ્રમાં વધુ આસાન છે, કારણ કે એ માટેના તમામ ઉપાયો સૌને હાથવગા છે !!