Mysamachar.in-અમદાવાદ:
રસ્તાઓ પર દોડતાં વાહનોમાં આજે પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસથી દોડતાં વાહનો રાજા છે, ઈલેક્ટ્રીક વાહનો અંગે ચર્ચાઓ પુષ્કળ થાય છે પણ આ વાહનોના વેચાણના આંકડા ઉત્સાહજનક નથી.સમગ્ર રાજયના ઈલેક્ટ્રીક વાહનોના વેચાણના ક્ષેત્રમાં તહેવારો છતાં તેજી જોવા મળતી નથી. ઓક્ટોબર મહિનામાં ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ 30 ટકા જેટલો તોતિંગ ઘટાડો દેખાડી રહ્યું છે.
કેન્દ્ર અને રાજ્યની સરકારોએ ટુ વ્હીલર ઈલેક્ટ્રીક વાહનો પરની સબસિડી અને કરવેરાઓમાં છૂટછાટ- આ બંને બાબતોમાં કાપ મૂકી દીધો છે. જેને પરિણામે વાહનોની કિંમતોમાં સરેરાશ રૂપિયા 20,000 જેટલો વધારો ઝીંકાયો છે તેથી ઈલેક્ટ્રીક વાહનો ખરીદવાની ઈચ્છા ધરાવતો વર્ગ નારાજ છે. બીજી બાજુ થ્રી વ્હીલર એટલે કે રિક્ષાઓ અને કારમાં સરકારે ઈલેક્ટ્રીક વાહનોની સબસિડીમાં ઘટાડો કર્યો નથી, આ વાહનો મોંઘા થયા નથી, તો પણ વેચાણ લક્ષ્યાંક પાર પાડી શકાયું નથી. લોકો ખરીદીમાં રસ દેખાડતાં નથી. અત્યાર સુધીમાં માત્ર 5,000 ઈલેક્ટ્રીક કાર અને માત્ર 1,000 ઈલેક્ટ્રીક રિક્ષાઓનું જ વેચાણ થયું છે. આમ સમગ્ર ઈલેક્ટ્રીક વાહન ક્ષેત્રમાં તેજી તો ઠીક, તહેવારો છતાં મંદી જોવા મળે છે !!