Mysamachar.in:અમદાવાદ:
અન્ય ગુનાઓનાં મામલાઓની માફક સાયબર ક્રાઈમ વિભાગમાં પણ, રાજયભરમાં તોડબજાર ધમધમી રહી હોવાનું એક કેસને કારણે ‘જાહેર’ થઈ ગયું છે. આ વિભાગમાં પણ ખાખીની વિશેષતાઓ ઝળકી રહી હોવાની વિગતો જાહેર થતાં ચકચાર મચી ગઈ છે, જો કે આ લાંચિયો કર્મચારી લાંચ રૂશવત વિરોધી શાખાના છટકામાં આબાદ રીતે ઝડપાઈ ગયો છે. આ મામલાએ એ હકીકત પણ ઉજાગર કરી છે કે, આ વિભાગમાં પણ તોડની બોલબાલા છે. કામના બદલામાં લાંચના આ કેસમાં જો કે એક પરચૂરણ કર્મચારી પકડાયો છે. ઉપરી અધિકારીની સામેલગીરી વગર કોઈ પરચૂરણ કર્મચારી મોટી રકમનો તોડ કરી શકે ? એવો પ્રશ્ન પણ આ કેસને કારણે ચર્ચામાં આવ્યો છે.
અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચમાં LRD તરીકે નોકરી કરતો 32 વર્ષનો હરદીપસિંહ પરમાર લાંચના આ કેસમાં ઝડપાઈ ગયો છે. તેણે એક આરોપી પાસેથી રૂ. 10 લાખની લાંચ પેટે અગાઉ 7 લાખ મેળવી લીધાં હતાં અને બાકીના 3 લાખ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપાઈ ગયો. એક ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અગાઉ એક ફરિયાદઅરજી કરી હતી.
જે અનુસંધાને બ્રાંચે આ મામલાના આરોપીનું બેન્ક એકાઉન્ટ એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. જે ફરીથી ખૂલું કરી આપવા અને તપાસને આડે પાટે ચડાવી દેવા આ શખ્સે અગાઉ LRD કર્મચારીને રૂ. 7 લાખ આપેલા અને ત્યારબાદ બીજા 3 લાખ આપવાના સમયે આ આરોપીએ આ લાંચિયા કર્મચારીને ACB ના હાથમાં ઝડપાવી દીધો. પોલીસબેડામાં ચર્ચાઓ છે કે, આટલો નાનો કર્મચારી કોઈના પીઠબળ વિના રૂ. 10 લાખની લાંચની માંગ કરી શકે ?! આ લાંચિયા પોલીસકર્મીના બેન્ક એકાઉન્ટ, અન્ય સંપત્તિઓ વગેરેની તપાસ થઈ રહી છે અને કોઈ અધિકારીની આમાં સંડોવણી હોય શકે કે કેમ ? તે દિશામાં પણ ACB તપાસ ચલાવી રહી છે.